________________
અચાનક સુમેરુ પર્વતની પાછળ કદી ન સંભળાયો હોય તેવો કડાકો થયો. આનંદસાગરમાં નિમગ્ન થયેલ યુગલે દૂર દૂર દૃષ્ટિ ફેંકી. પર્વતની ઊંચી છેલ્લી શ્યામ રાડ પાછળથી એક કાળીભમ્મર વાદળી સરી આવતી હતી.
નરની નાંખોમાં કુતૂહલ જન્યું. નારીનાં પોપચાં વારેઘડીએ ઉઘાડમીચ થવા લાગ્યાં.
નિરભ્ર, શાંત આકાશમાં સરી આવતી એ એક નાની શી વાદળીએ ધીરેધીરે રંગ પલટવા માંડ્યો. દક્ષિણાકાશનું પેટાળ ફોડીને એક ઉતાવળો પવનના સુસવાટો આખા પ્રદેશ સોંસરવો ધ્રુજારી મચાવતો વહી ગયો.
ક્ષણવાર શાંતિ રહી, પણ પછી તો થોડી વારે બીજો સુસવાટો આવ્યો. એ પ્રદેશનાં ઝાડ, પાન, પર્વત-પહાડ કંપી ઊઠ્યાં. નર-નારી કંઈક સાવચેત બન્યાં, નજીકની એક ગિરિનિકુંજમાં જઈને લપાયાં.
આકાશમાં વાદળીઓ વધતી જતી હતી. સુમેરુ પહાડનાં શિખર ભેદીને કડેડાટો આવી રહ્યા હતા. ચમકતો સૂર્ય નિસ્તેજ થયો હતો. વાયુના સુસવાટા હવે ઝંઝાવાતનું રૂપ ધરતા વધી રહ્યા હતા. આકાશના યુદ્ધ સામે પૃથ્વી પણ પોતાનું સામર્થ્ય બતાવવા ચાહતી હોય, તેમ નદી-નવાણ, સાગર-ઝરણાનાં પાણી એ સામાં ઉછાળતી હતી.
એકાએક પવનનો ફરીને ભયંકર સુસવાટો આવ્યો. પૃથ્વીનું અભિમાન છેદવા એની તમામ ધૂલિ જાણે અધ્ધર ઊંચકી લઈને એણે ગોળ ચક્કર ગોળ ચક્કર ઘૂમવા માંડ્યું. દિશાઓ આંધળી બની ગઈ. મોટાં મોટાં વૃક્ષો એ પ્રલયંકર દેવને પ્રણિપાત કરતાં ન હોય તેમ કડડભૂસ કરતાં ભૂમિશયન કરવા લાગ્યાં. પંખીઓ માળો છોડીને કરુણ ચિત્કાર કરતાં આમતેમ ઊડવા લાગ્યાં. પશુઓ બહાર નીકળી વગર દેખે દોડવા લાગ્યાં.
ઝંઝાવાત ઉગ્ર ને ઉગ્ર થતો ચાલ્યો. પંખી ઊડતાં ઊડતાં નિર્જીવ બની નીચે પડવા લાગ્યાં. પશુઓ દોડતાં દોડતાં નિચેતન બની જમીન પર ઢળી પડ્યાં. હવે તો આકાશમાંથી હિમ વરસવો શરૂ થયો હતો. દિશાઓના દુર્ગને વીજળી ચીરવા લાગી હતી. આકાશી ઢોલ ગડાટ કરતો હતો. પહાડો ચિરાવા લાગ્યા હતા.
યુગલ થરથર ધ્રુજતું ઊભું હતું. એ જે ગિરિનિકુંજમાં આશ્રય લઈને ઊભું હતું, એ ગિરિનિકુંજ, દરિદ્રનાં વસ્ત્રની જેમ, ચારે તરફથી જીર્ણશીર્ણ ૬ ભગવાન ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org