________________
૧૯
નીતિશિક્ષણ
મહાન ચક્રવર્તી પોતાના સ્વામિભક્ત સૈનિકો પાસેથી એમને હિમવાન પર્વત પર ભેટેલી રૂપસુંદરીની વાત સાંભળી ખિલખિલાટ હસી પડ્યા. પણ જેમ આશાની પાછળ નિરાશા છુપાઈને ખડી હોય છે, એમ એમનું હાસ્ય ક્ષણવારમાં વિષાદનું રૂપ ધરી રહ્યું. એમના મનના ૨થ અયોધ્યાના આવાસો ને હિમવાન પર્વતની અધિત્યકા વચ્ચે દોડાદોડ કરવા લાગ્યા !
રે ! શુક્રતારક સમું એક સુંદર મુખ એની લાંબા કાળથી રાહ જોતું દેખાયું; અયોધ્યાના આવાસો પર ચઢીને દિગદિગંતમાં જોતું યાદ આવ્યું. એનો ભરત ચક્રવર્તી બનીને પાછો આવે એની એ રાહ જોતું હશે !
જાણે ભરતદેવના અંતરમાં અયોધ્યાના સુંદર આવાસો તરી આવ્યા; એમાં બેઠેલી સૌંદર્યતેજભરી મહાદેવી સુંદરી યાદ આવી. એના શબ્દો યાદ
આવ્યા :
‘ભરત ! જા, તું વિજય કરીને આવ, ત્યાં સુધી તારી રાહ જોઈશ. તું રજા આપીશ પછી જ વિદાય લઈશ !’
એક રૂપસુંદરીની તો આ દશા કરી ! ને વળી બીજી રૂપસુંદરીની કેવી દુર્દશા કરવી છે, ભરત ! જાણે ચક્રવર્તીને અંતરમાં કોઈ ચૂંટી ખણી રહ્યું. આંતર યુદ્ધમાં પરાજિત નીવડ્યા હોય એવા ભાવ એમની મુખમુદ્રા પર અંકાઈ રહ્યા. પણ અંતર ચીરીને કોઈને થોડું દેખાડી શકાય છે ? અંદર રોતું હોય, જ્યારે માણસ બહાર હસતો હોય. ચક્રવર્તી મલકી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org