SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કૂદકે ને ભૂસકે વધતાં પાણીથી બચવા સૈનિકો ઊંચાણવાળા સ્થળે જઈ જઈને બેસવા લાગ્યા, પણ જાણે પાણી પ્રતિસ્પર્ધા કરી રહ્યાં ન હોય તેમ વધી વધીને ત્યાં સુધી પહોંચવા લાગ્યાં ! સર્વત્ર હાહાકાર વર્તી ગયો. એક આખો દિવસ ભયંકર હેલીમાં વ્યતીત થયો. સૂર્ય તદ્દન ઢંકાઈ ગયો હતો. મુશળધારે વરસતી મેઘલીરાત કાઢવી દોહ્યલી થઈ રહી. મણિરત્ને એ અંધકારને ભેદવા સતત પ્રયત્ન કર્યો. બીજો દિવસ પણ એ જ રીતે પસાર થયો. હવે તો હિમાળાના વાયરા શરૂ થયા હતા. સૈનિકોના ખુલ્લા બદનની ચામડી ઉનાળે તરડાયેલા નદીના કાંપની જેમ તરડાઈ ગઈ ! ચક્રવર્તી ભરતદેવ અધીરા બની ગયા. પોતાના દ્વિતીય પ્રાણ જેવી સેનાને સ્વલ્પ સમયમાં પણ ખૂબ સહન કરવાનું આવ્યું હતું ! એમણે શંખ ગ્રહ્યો ને મહારવપૂર્વક બજાવ્યો. મેઘનાં નગારા પર પડતી ડાંડી જેવી ગર્જનાઓ સાથે મળીને એ શરણાઈનું રૂપ ધરી રહ્યો. એ સ્વરની ક્રૂર મશ્કરી કરવા માટે જ ન હોય તેમ, પહાડની શિલાઓ પાછળથી ક્રૂર મશ્કરી કરતું કોઈકનું અટ્ટહાસ્ય સંભળાયું. અટ્ટહાસ્યની સાથે પહાડ પરથી એક મોટું શિખર જુદું થઈને ભયંકર કડાકા સાથે નીચે તૂટી પડ્યું. પાણી વધતું જ ચાલ્યું હતું. હવે એ વહી જવાને બદલે ચારે તરફ એકત્ર થઈને કોઈ સરોવરમાં ઠલવાય એમ પડાવના મેદાનમાં ચારે તરફથી ઠલવાઈ રહ્યું. હાથી ને ઘોડા, જે નીચાણવાળા ભાગમાં હતા, તેઓ ધીરે ધીરે પાણીમાં ડૂબવા લાગ્યા. અલ્પ સમય પૂરતું આ તોફાન હોત તો બહાદુર પ્રાણીઓ જળમાં તરી લેત, પણ રાત ને દિવસ ત૨તા રહેવું અશક્ય હતું. ધીરે ધીરે થાકીને તેઓ જળશરણ થતા ને યમશરણે પહોંચી જતા. પોતાનાં પ્રાણીઓનો આ સંહાર ભરતદેવ જોઈ ન શક્યા ! તેઓ વ્યગ્ર બનીને આ બાજુથી પેલી બાજુ ઘૂમવા લાગ્યા; મનમાં ને મનમાં કોઈ મહાન સંકલ્પબળ એકત્ર કરી રહ્યા. એ વખતે એક મોટી ચર્મનૌકામાં બેસીને નવા સેનાપતિ જયકુમાર ઉતાવળે ઉતાવળે આવતા દેખાયા. એમણે ચર્મરત્નને પોતાની કામગીરી બજાવવા હાકલ કરી, પણ સૈન્ય નાનું નહોતું. ચક્રવર્તીની અજોડ ને અમાપ સેના માટે ચર્મનૌકાઓ પૂરી પાડવી, એ કપરી કસોટી હતી. પણ જયકુમારે જેટલી હતી એટલી ચર્મનોકાઓ જળ પર તરતી મૂકી ને છત્રરત્નને એના પર છત્ર મૂકવાનો આદેશ આપ્યો. Jain Education International For Private & Personal Use Only કસોટી * ૧૨૫ www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy