________________
એને સાસરે છે, એટલે ચાહવા છતાં એને વિદાય આપે છે.
માણસના આત્માને એક દિવસ ખાલી હાથે અચાનક ચાલ્યા જવાનું છે. જ્યારે માણસ લબ્ધલક્ષ ન હોય ત્યારે એ દુન્યવી વસ્તુઓમાં મગ્ન થઈ ફરે છે. પણ હું પૂછું છું કે જ્યારે પાપનો ઉદય થશે ત્યારે શું જગતમાં એ કાર્યો તમને સહાય કરશે ?
કુટુંબને પોષવા અર્થદંડ કરવો પડે પણ આજનો માનવી તો અનર્થ દંડ પણ આચરે છે. અર્થદંડ એટલે નીતિની મર્યાદામાં રહી, કુટુમ્બના પોષણ માટે અર્થપ્રાપ્તિ કરવી તે; જ્યારે અનર્થદંડ એટલે ન્યાયનીતિને બાજુ પર મૂકી, ગમે તેમ કરી પૈસા ભેગા કરવા અને કેવળ અર્થ પાછળ જ જીવનને વિતાવવું તે છે. આજના જમાનામાં પાપભીરુતાની વૃત્તિ જ રહી નથી; અદૃશ્ય થઈ ગઈ છે. કસાઈખાનામાં રોજ જનારો જેમ ટેવાઈ જાય છે તેમ, માનવી આજે એનાં પાપોથી ટેવાઈ ગયો છે. આત્મા, ધર્મ અને નીતિનો નાશ થાય એવો વ્યવસાય ન કરાય, એ વાત જ માનવી આજે ભૂલી ગયો છે.
લોકો આજે પૈસા આગળ ભગવાનને પણ નાનો ગણે છે, કારણ એને જીવનનું સાચું લક્ષ્ય બતાવનાર કોઈ રહ્યું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—આમાંથી માણસ આજે અર્થ અને કામ પાછળ પડ્યો છે. એમાં એટલો બધો એ રંગાયેલો છે કે ભેગું કરેલું ભોગવવાનોય એને સમય નથી. આજે મનુષ્ય ભોગ નથી ભોગવતો, પણ ભોગ મનુષ્યને ભોગવી રહ્યો છે.
દિવસ પછી દિવસ કરતાં, આખું આયુષ્ય ચાલ્યું જાય છે અને છતાં માણસ એની વર્ષગાંઠ ઊજવવા બેસે છે. એ શું આનંદનો દિવસ છે કે માણસ મહેફિલ માણે છે ! મળેલો વારસો ચાલ્યો જાય અને અંતરમાં જેવી ફાળ પડે, એમ આ ખર્ચાઈ જતા આયુષ્ય માટે માણસને લાગવું જોઈએ.
રૂપિયાનું પડેલું ગાબડું પૂરી શકાય છે, પણ આયુષ્યનું ગાબડું ફરી પૂરી શકાતું નથી. આ યાદ રહે છે ખરું ? તેલ ખૂટશે એટલે દીવો બુઝાઈ જવાનો. અંતિમ પળે દીપ નિર્વાણ પામે છે તેમ, આયુષ્ય પૂરું થતાં માનવીએ ચાલ્યા જવાનું છે.
આયુષ્યનાં ગાબડાં તો પડવાનાં, પણ સત્કાર્ય કરતાં પડે તો ગાબડાંય સફળ થઈ જાય છે. જતી જિંદગીને કોઈ અટકાવી શકતું નથી. પણ જે પાણી રણભૂમિમાં ભસ્મ થાય છે એ જ પાણીને ફળદ્રુપ જમીન ઉપર વાળવામાં આવે તો એ મોલને લીલોછમ કરી દઈ શકે છે. આપણા આયુષ્યનું પણ આવું છે. આપણા મૃત્યુએ લોકો એમ કહેતા થવા જોઈએ કે કામ કરતાં એ મર્યો અને એણે મોતને સફળ બનાવ્યું. તો જ માનવજીવનનો ખરો અર્થ છે.
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં : ૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org