________________
નિરર્થક વાતો પાછળ સમગ્ર સમય ખર્ચવાનું એને પોસાય છે પણ ‘આગમ’ વાંચવા બેસતાં એને આળસ આવે છે. માણસનું જીવન આજે અર્થહીન બન્યું છે. જીવવા ખાતર એ જીવી લે છે અને આયુષ્ય પૂરું થવા આવે ત્યારે દાક્તર પાસે દોડે છે. જો આપણું જીવન આવું યંત્રમય ને જડ હોય તો એવું યાંત્રિક જીવન જીવવા કરતાં હંમેશ માટે સૂઈ જવું, એ વધારે સારું નથી ? લોકો બીજાની નકામી વાતો સાંભળવા પાછળ જિંદગી વિતાવી નાખે છે. એક એક માણસની એક એક વાત, એક એક મિનિટ પણ સાંભળવામાં સમય ખરચો તો જીવન એમાં જ ખતમ થઈ જવાનું. દુનિયામાં કેટલા અબજ માણસ છે તે જાણો છો ? સૌની વાતો સાંભળશો તો ક્યારે એનો પાર આવશે ?
માટે ભગવાન મહાવીરે કહ્યું છે કે બીજાને જાણવા પહેલાં તું તારા આત્માને ઓળખવા મથ. જો તું તને જાણીશ તો જ તું બીજાને જાણી શકીશ. જે માટીને જાણે છે, તે માટીનાં દરેક જાતનાં વાસણોને જાણી શકશે; જે લોટને જાણે છે તે રોટલીને અને લોટની બીજી વાનગીઓને જાણી શકશે. દ્રવ્યનાં રૂપ બદલાય છે. નામ બદલાય છે, પણ વસ્તુ તો એની એ જ રહે છે.
જે આજે એકને સમજે છે, એ કાલે વિશ્વને સમજી શકશે; જે પોતાના આત્માને ઓળખે છે તે સર્વના આત્માને ઓળખી શકશે. વિચારશ્રેણી બદલાય છે પણ સત્ય બદલાતું નથી; આપણે તો માત્ર જૂના અને નવાનો સમન્વય ક૨વાનો છે. તો જણાશે કે કાળનો પ્રવાહ વહેવા છતાં, મૂળ સત્ય ઝાંખું પડતું નથી, એને કાળનો કાટ ચડી શકતો નથી; કોઈ દિવસ ચડી શક્યો નથી. જગતની સર્વ ચીજો પરિવર્તનશીલ છે. બહારનાં પડ જુદાં લાગે છે, પણ એની અંદર રહેલો આત્મા તો એનો એ જ છે. આપણે એનું દર્શન કરવું એ આપણું લક્ષ છે.
તા. ૫-૯-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org