________________
એક ઠેકાણે બે ડોસીઓ રહેતી હતી. એકનું નામ રિદ્ધિ, બીજીનું નામ સિદ્ધિ, સિદ્ધિ ઈર્ષાળ હતી; એ બીજાની મહાનતા જોઈ શકતી ન હતી. આમાં ને આમાં ઈર્ષાથી એ પહેલાં પેન્સિલ જેવી હતી તે હવે સોય જેવી બની ગઈ. એને મનમાં થયું કે પેલી રિદ્ધિની સંપત્તિનો નાશ કરું તો મને ખરો આનંદ આવે, કારણ કે એનાથી બીજાનો ઉત્કર્ષ જોઈ શકાતો ન હતો.
આ કારણે એણે તપ કર્યું, તપથી દેવ પ્રસન્ન થયા. એણે પૂછ્યું કે આમ બળી કેમ રહી છે ? એણે કહ્યું કે રિદ્ધિનો ઉત્કર્ષ જોઈ હું બળી રહું છું. માટે દેવ ! તમે મને સુખી કરો; એટલું જ નહિ પણ પેલી રિદ્ધિને દુ:ખી કરો. દેવે કહ્યું કે એ તો ન થાય. કારણ કે એનું પુણ્ય પ્રબળ છે. પણ આટલું થઈ શકશે. તું જે માગીશ તેનાથી એને બમણું મળશે. સિદ્ધિએ કહ્યું, કે “તો એમ તો એમ.”
- દેવે કહ્યું, “તથાસ્ત.” - પેલી સિદ્ધિએ એક ઘર અને દરેક ઓરડામાં એક કૂવો માગ્યો. એને એક તો રિદ્ધિને બે ઘર અને દરેક ઓરડામાં બે કૂવા મળ્યા. પછી પોતે કહ્યું કે મારી એક આંખ ફૂટે કે જેથી પેલીની બે ફૂટે; એ આંધળી થાય અને કૂવામાં પડે. આમ જોશો કે બીજાની અદેખાઈ ખાતર એ પોતાની એક આંખ ફોડીને પણ બીજાનું ખરાબ કરવા ઝંખતી હતી.
માણસની આ બળતરા, તુચ્છતા અને અદેખાઈ આજે આપણા ઘરમાં પણ ઝઘડા લાવી રહે છે. આજે ઘરમાં આપણને ખાવા ખોરાક છે, પહેરવા કપડાં છે અને છતાં દેરાણી-જેઠાણી નાની નાની વાતોમાં કલહ કરે છે. પણ જીવનને જો સુખી કરવું હોય તો નાની નાની આવી તુચ્છ વાતો પ્રત્યે આપણે ઉપેક્ષા સેવી ઉદારતી કેળવવી પડશે.
આપણે જીવનમાં બિરબલની મોટી લીટી અને સિદ્ધિની ઈર્ષાને ધ્યાનમાં રાખવાની છે. જેઓ ધર્મમાં આગળ વધવા માગે છે તેમણે બીજાની લીટી નાની કરવા કરતાં, પોતાની લીટી જ મોટી કરવાની છે. આ જ આપણા જીવનની સફળતાનો સાચો મંત્ર છે.
તા. ૨૨-૭-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં જ ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org