________________ સાધુપણાનું સાર્થકપણું..! પરાવર્તના સ્વાધ્યાય. ભણેલું યાદ રાખવા માટે “પરાવર્તના' જોઇએ. વાચના, પૃચ્છના અને પરાવર્તના કરનારને ટાઈમ કેટલો જોઈએ? એ ત્રણેમાં લાગી જાય તે ભૂત જેવો મટી દેવ જેવો બની જાય. સ્વાધ્યાય વગરનો સાધુ ભૂત જેવો બની બધે ભટક્યા કરે છે. તે સ્વાધ્યાયમાં લાગે તો જ દેવ જેવો બને છે. તમારે ભૂત જેવા બનવું છે કે દેવ જેવા બનવું છે? મળેલા સાધુપણાને જો સાર્થક કરવું હોય તો સાધુજીવનને સ્વાધ્યાયના રંગે રંગીને દેવ જેવું બનાવવું જોઈએ. પરાવર્તન બાદ “અનુપ્રેક્ષા' જોઈએ. જાણેલું, પૂછેલું, પરાવર્તન કરેલ સૂત્ર અને અર્થનું સૂક્ષ્મતાથી ચિંતન, મનન, ઉંડાણથી પરિશીલન કરવું જોઇએ, જેથી એ સૂત્રાર્થ આત્મસ્થ બને. એમ ભણ્યા બાદ, નિઃશંક બન્યા બાદ, પદાર્થને સ્થિર કર્યા બાદ એને આત્મસ્થ બનાવવાની ક્રિયારૂપ સ્વાધ્યાયને અનુપ્રેક્ષા કહેલ છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયથી જે આત્માને સૂત્રાર્થ પૂરેપૂરા આત્મસ્થ થાય તેને બીજી પણ પુણ્યપ્રકૃતિ વગેરે બાબતો હોય ત્યારે ગુરુ પાસેથી ધર્મકથા કરવાનો અધિકાર મળે છે. ચાર પ્રકારનો સ્વાધ્યાય કર્યા વિના ધર્મકથા કરે એની ધર્મકથામાં ભલીવાર ન આવે. એનાથી સ્વ-પરનું કલ્યાણ થવાના બદલે અકલ્યાણ થાય એવી શક્યતા વધુ હોય છે. -પૂ.આ.દેવ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા