________________
વ્યાખ્યાન પ૯] કારક સમકિત
૨૧૩ પણ તે જોઈને ગર્વથી સૌઘર્મ ઇન્દ્રના ભુવનનો પણ તિરસ્કાર કરતો આનંદ પામ્યો. પછી સર્વને તે પદ્મગૃહમાં દાખલ કરીને પ્રફુલ્લ મુખથી કોકાશ બોલ્યો કે-“હે રાજ! તમે સર્વ પોતપોતાના સ્થાનપર સાવઘાન થઈને બેસી જાઓ. હું ખીલીના પ્રયોગથી હમણાં આ વિમાન આકાશમાં ઉડાડી તમને કૌતુક દેખાડું છું.” તે સાંભળીને ભૂખ્યા માણસો જેમ ભોજન માટે બેસી જાય, તેમ તેઓ કૌતુક જોવા માટે પોતપોતાને સ્થાને બેસી ગયા. પછી કોકાશ કાંઈક મિષથી તે કમળગૃહની બહાર નીકળી બોલ્યો-“હે મૂઢ લોકો! જુઓ, મારા સ્વામીની વિડંબના કરવાનું ફળ!” એમ કહીને તેણે ખીલી ફેરવી કે તરત જ નિદ્રાથી ઘૂર્ણાયમાન થયેલા નેત્રની પેઠે તે આખું ભુવન કમળની જેમ બિડાઈ ગયું અને તેમાં રહેલા સર્વે લોકો ભમરાની જેમ હાહારવ કરવા લાગ્યા. અહીં કમળ અને ભમરા ઉપર અન્યોક્તિથી કહેલો શ્લોક ઘટી શકે છે. તે આ પ્રમાણે
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे
हा हन्त हन्त नलिनी गज उजहार ॥१॥ ભાવાર્થ-“કોઈ એક ભમરો એક કમળમાં પેસી તેનો રસ ચૂસતો હતો, તેવામાં રાત પડી, અને કમળ બિડાઈ ગયું. ત્યારે અંદર રહેલો ભમરો વિચાર કરવા લાગ્યો કે-રાત્રી જતી રહેશે અને સારો પ્રાતઃકાળ થશે તથા સૂર્યનો ઉદય થશે. ત્યારે આ કમળની શોભા ખીલશે (કમળ ઊઘડશે એટલે હું નીકળી જઈશ).” એમ કમળમાં રહેલો ભમરો વિચાર કરતો હતો તેટલામાં તો ખેદકારક વાત બની કે કોઈ હાથી ત્યાં પાણી પીવા આવ્યો, તેણે તે કમળને તોડી નાંખ્યું અને ખાઈ ગયો, જેથી ભમરાના મનની ઘારણા મનમાં રહી.” તેમ અહીં પણ કૌતુક જોવાને મિષે દેવભુવન જેવા ભુવનમાં પેઠેલા રાજા વગેરેની કૌતુક જોવાની ઇચ્છા મનની મનમાં રહી અને ઊલટા કષ્ટમાં આવી પડ્યાં.
એ વખતે કોકાશના કરી રાખેલા સંકેત પ્રમાણે કાકજંઘ રાજાનો પુત્ર સૈન્ય સહિત ત્યાં આવી પહોંચ્યો. તેણે કનકપ્રભ રાજાના સુભટોને જીતીને પોતાના માતાપિતાને પાંજરામાંથી બહાર કાઢ્યા. પછી કોકાશ સહિત સૌ પોતાને નગરે ગયા. કાકજંઘ રાજાએ પોતાની વ્રતમાં બાંધેલી અવધિ ઉપરાંતનો તે દેશ હોવાથી પોતાને તાબે કર્યો નહીં.
કાકજંઘ રાજાએ રાજ્યનું પાલન કરતાં ગરુડની ખીલી બદલવાનો પ્રપંચ પોતાની જ બીજી રાણીનો હતો એમ જાણ્યા છતાં ગંભીરતાને લીધે પ્રગટ કર્યો નહીં. કહ્યું છે કે
अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च ।
वञ्चनं चापमानं च, मतिमान्न प्रकाशयेत् ॥१॥ ભાવાર્થ-“ઘનનો નાશ, મનનો સંતાપ, ઘરમાં ચાલતું દુરાચરણ, વંચન (કોઈનાથી ઠગાઈ ગયા હોઈએ તે), અને અપમાન (કોઈએ કર્યું હોય તે) એટલાં વાનાં બુદ્ધિમાન પુરુષે કોઈની પાસે પ્રકાશિત કરવાં નહીં.”
અહીં પરિવાર સહિત કનકપ્રભ રાજાને કમળગૃહમાંથી બહાર કાઢવા માટે ઘણા ઉપાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org