________________
વ્યાખ્યાન ૫૯] કારક સમકિત
૨૧૧ નિષિદ્ધ આચરણ કરવાથી તો મૂળ વ્રતનો ભંગ થાય છે અને અજાણતાં વ્રતનો ભંગ થવાથી અતિચાર લાગે છે, તે તો પ્રતિક્રમણાદિક કરવાવડે શુદ્ધ થઈ શકે છે. અહો! કૌતુક જોવાનું જેને પ્રિય છે એવા મને ધિક્કાર છે કે જેથી મેં આત્મહિત પણ જાણ્યું નહીં.” આ પ્રમાણે જાણે પોતાનું સર્વસ્વ ગયું હોય તેમ રાજા શોક કરવા લાગ્યો. તે વખતે કોકાશે ગરુડને પાછો વાળવા માટે બીજી ખીલી પકડી કે તરત જ તે ખીલી અન્ય છે એમ જાણીને તે ચિંતાતુર થઈ બોલ્યો-“હે દેવ! દુર્દેવના વશથી કોઈ દુષ્ટ આ ખીલી બદલી નાંખી છે, હવે તે ખીલી વિના ગરુડ પાછું વળી શકશે નહીં. માટે હવે તો થોડે દૂર જઈને નીચે ઊતરીએ તો ઠીક થાય, કેમકે જો અહીં જ ઊતરીશું તો આ શત્રનું રાજ્ય હોવાથી અનર્થનો સંભવ છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે મિત્ર! અનંત ભવ સુધી દુઃખ આપનાર વ્રતભંગ કરવારૂપ વાક્ય તું કેમ બોલે છે? અનાભોગ આદિકથી (અજાણપણાથી) કદી નિષિદ્ધનું સેવન થયું હોય તો વ્રતનું માલિન્ય થવારૂપ અતિચાર લાગે છે, અને જાણી જોઈને જો વ્રતનું ઉલ્લંઘન કરીએ તો વ્રતનો ભંગ જ થાય છે. અતિચારથી ખંડિત થયેલું વ્રત તો કાચા ઘડાની જેમ પાછું સાંધી શકાય છે, પણ અનાચારથી થયેલ વ્રતભંગ તો પાકા ઘડાની જેમ સાંઘી શકાતું જ નથી. માટે અહીંથી એક પગલું પણ આગળ વઘવાનું કરીશ નહીં. કહ્યું છે કે
जलधूलीधरित्र्यादि-रेखावदितरे नृणाम् ।
परं पाषाणरेखैव, प्रतिज्ञा हि महात्मनाम् ॥१॥ ભાવાર્થ–સામાન્ય જનોની પ્રતિજ્ઞા જળ, ધૂળ અને પૃથ્વી વગેરેમાં કરેલી રેખા જેવી હોય છે, (તરત ભંગ થાય તેવી હોય છે) પણ મહાત્માઓની પ્રતિજ્ઞા તો પથ્થરની રેખા જેવી, એટલે તેનો ભંગ જ ન થાય તેવી હોય છે.
વળી હે કોકાશ! વ્રતના ઉલ્લંઘનનું ફળ તો કટુ દ્રવ્યના આસ્વાદની જેમ હમણા જ પ્રાપ્ત થયું છે, માટે તે જ ખીલીથી જો વળે તો વાળ, નહીં તો અહીં જ ઊતરી પડવું યોગ્ય છે.” તે સાંભળી રાજાની દ્રઢતાની વારંવાર પ્રશંસા કરતો કોકાશ ગરુડને પાછો વાળવા પ્રયાસ કરવા લાગ્યો. તેવામાં તો તે ગરુડની બન્ને પાંખો મળી ગઈ અને તે નીચે પડ્યો; પરંતુ સારા ભાગ્યને યોગે તે ગરુડ એક સરોવરમાં પડ્યો; તેથી કોઈના અંગને કાંઈ પણ ઇજા થઈ નહીં. પછી રાજા, રાણી અને કોકાશ ગરુડસહિત સરોવરને કાંઠે આવ્યા. તેની નજીકમાં જ કાંચનપુર નગર જોઈને કોકાશે રાજાને શિખામણ આપી કે–“હે સ્વામી! આપ સાવધાન થઈને અહીં જ કોઈ ન જાણે તેમ છુપાઈને રહો. હું ગામમાં કોઈ રથકારને ઘેર જઈ નવી ખીલી કરીને આવું છું.” એમ કહીને ભયરહિત કોકાશ રાજાના માનીતા રથકારને ઘેર ગયો અને તેની પાસે ખીલી કરવા માટે વિશેષ પ્રકારના ઓજાર માગ્યા; એટલે તે રથકાર એક રથનું પૈડું કરતો હતો તે પડતું મૂકીને તેના માગેલા ઓજાર લાવી આપવા ઘરની અંદર ગયો. તે ઓજાર લઈને આવ્યો તેટલામાં તો કોકાશે રથનું પૈડું તેના કરતાં ઘણું જ સુંદર દિવ્યચક્ર (પૈડું) બનાવ્યું કે જે પૈડું હાથમાંથી નીચે મૂકતાં જ ઘક્કો માર્યા વિના તેની મેળે ચાલે. તે રથકારે આવી અસાઘારણ કળા જોઈ મનમાં વિચાર્યું કે-“નક્કી આ કોકાશ જ છે, તેના વિના બીજો આ પૃથ્વી પર આવી દિવ્ય કળાવાળો કોણ છે? કોઈ જ નથી.” આ પ્રમાણે નિશ્ચય કરી તે રથકાર કાંઈક મિષ કરીને ત્યાંના રાજા પાસે ગયો, અને તેને કહ્યું કે-“હે રાજન!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org