________________
૧૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ત્યાંથી સ્વસ્થાને ગયો.”
આ પ્રમાણેની વાર્તા સાંભળીને પલ્લીપતિ ભટ્ટાના શાપથી ભય પામી તેનાથી વિરક્ત થયો. પછી તેણે તેને કોઈ માણસને વેચાતી આપી દીધી. તે માણસે તેને બબ્બરકુળમાં જઈને નીચ જાતિમાં વેચી. તેણે પણ ભોગને માટે પ્રાર્થના કરી. તે તેણે માની નહીં; ત્યારે તે કારુક બોલ્યો કે, “જો તું અન્ન વસ્ત્રાદિ સુખને ઇચ્છતી હોય તો મારું કહેવું કબૂલ કર.” તે સાંભળીને તે ભટ્ટા વ્રત સંબંધી ત્રીજા આગારને જાણતી હતી, તોપણ તેણે પોતાનો નિશ્ચય છોડ્યો નહીં, તેથી ક્રોઘ પામીને તેણે કરમજી રંગ માટે તેની નસોમાંથી લોહી કાઢવું શરૂ કર્યું, અને તે લોહીથી વસ્ત્ર રંગવા લાગ્યો. તે જમાનામાં બહુમૂલ્ય ઝીણા વસ્ત્રો લોહીના રંગે રંગાતા અને તેના ઘણાં મૂલ્ય નીપજતાં. એ પ્રમાણે વારંવાર રુધિર કાઢવાથી તેને પાંડુરોગ થયો; તોપણ તેણે શીલનું ખંડન કર્યું નહીં.
અન્યદા તે ભટ્ટાનો ભાઈ ઘનપાળ વેપારને માટે બબ્બરકુળમાં આવ્યો. તેણે ફરતાં ફરતાં પોતાની બહેનને જોઈને ઓળખી. તેણે તે કારુકને ઘણું ઘન આપીને તેની પાસેથી પોતાની બહેનને છોડાવી. પછી પોતાની બહેનને લઈને ઘનપાળ પોતાના નગરમાં આવ્યો. ભટ્ટાના પતિએ તેની બધી હકીકત સાંભળી, એટલે તે તેને પોતાને ઘેર લઈ ગયો અને સર્વ ગૃહકાર્યની સ્વામિની કરી. ભટ્ટાએ કોપનું અત્યંત માઠું ફળ અનુભવેલું હોવાથી ‘હવે પ્રાણાંતે પણ કોપ ન કરવો' એવી પ્રતિજ્ઞા કરી.
એકદા તે નગરના ઉપવનમાં મુનિપતિ નામના મુનિ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં કોઈ પ્રકારની અગ્નિથી તે મુનિનું શરીર દાઝી ગયું. દાઝેલા મુનિના શરીરની ચિકિત્સા (ઔષધ) કરવા માટે કુંચિક શ્રેષ્ઠીએ બીજા બે મુનિને લક્ષપાક તેલ લેવા માટે અચંકારીને ઘેર મોકલ્યા. તે મુનિઓએ તેને ઘેર જઈને તેલ માગ્યું. ત્યારે હર્ષિત થઈને અચંકારીએ દાસીને કહ્યું કે, “હે દાસી! તેલનો ઘડો લાવ.” આ સમયે સ્વર્ગમાં ઇદ્ર સભા સમક્ષ અઍકારીની પ્રશંસા કરી કે, “હાલમાં પૃથ્વી પર અચંકારી ભટ્ટા જેવું કોઈ પણ ક્ષમાવાન નથી.” ઇંદ્રના આ વાક્યપર શ્રદ્ધા નહીં રાખનાર કોઈ નાસ્તિક દેવ તેને ઘેર આવ્યો; અને દાસી તેલનો ઘડો લાવતી હતી તે ઘડાને દૈવી શક્તિથી પાડીને ફોડી નાંખ્યો. ત્યારે અચંકારીએ ક્રોઘ કર્યા વગર બીજો ઘડો લાવવાનું કહ્યું, તે પણ દેવે ફોડી નાંખ્યો. એ પ્રમાણે ત્રીજો ઘડો પણ ફોડી નાંખ્યો; એટલે અચંકારી પોતે જ ચોથો ઘડો લેવા ઊઠી. તે ઘડો તેના શીલના પ્રભાવથી તે દેવતા ફોડી શક્યો નહીં. તે ઘડામાંથી અઍકારીએ મુનિને તેલ વહોરાવ્યું. મુનિ બોલ્યા કે, “હે ભદ્ર! અમારે માટે તારા ત્રણ ઘડા ફૂટી ગયા, તેથી તને ઘણું નુકસાન થયું છે, તો પણ તે દાસીપર કોપ ન કર્યો.” તે સાંભળીને અઍકારી કાંઈક હાસ્ય કરતી બોલી, “હે પૂજ્ય! મેં ક્રોધનું અને માનનું ફળ આ ભવમાં જ અનુભવ્યું છે.” એમ કહીને મુનિના પૂછવાથી તેણે પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને અદ્રશ્ય રહેલો દેવ પ્રત્યક્ષ થયો અને ઇન્ટે કરેલી પ્રશંસા કહી બતાવી. પછી ભાંગી નાંખેલા ત્રણે ઘડા સારા કરી તેની પ્રશંસા કરી તથા સુવર્ણની વૃષ્ટિ કરીને દેવ સ્વસ્થાને ગયો. આ સર્વ જોઈને પેલા મુનિઓ પણ તેની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા અને તે તેલથી દગ્ધ થયેલા મુનિને સાજા કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org