________________
સિંહના છેલ્લા શબ્દોના પડઘા એના મગજમાં રમવા લાગ્યા : ‘તું તને ઓળખ. ગર્જના કરવા પ્રયત્ન કરી જો.' આ શબ્દો એના મનમાંથી કેમેય ખસે નહિ. એણે અવાજ કરવા પ્રયત્ન આદર્યો, પણ બેં બેં અવાજ નીકળ્યો. ઘણા કાળના ઘેટાના સહવાસથી એ પોતાનો અવાજ પણ ખોઈ બેઠું હતું.
એક સાંજે સરિતાકિનારે એ સિંહબાળ પાણી પીવા ગયું, ત્યારે તેણે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું, તો પોતાનું શરીર આ ઘેટાં જેવું નહિ, પણ પેલા સિંહ જેવું લાગ્યું. હવે એને સિંહના શબ્દોમાં વિશ્વાસ બેઠો. એણે પ્રયત્ન આદર્યો. એક વાર-બે વાર-ત્રણ વાર. અને એના અવાજમાં રણકો આવ્યો. ઘેટાં ભડક્યાં, ભાગવા લાગ્યાં. સિંહમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. એણે જરા જોર કર્યું. ત્યાં ભરવાડ અને ઘેટાંનાં કાળજાં ફાડી નાખે એવી ગર્જના એના અવાજમાંથી પ્રગટી. ભરવાડ ને ઘેટાં હવે ઊભાં રહે ? સિંહે પોતાના સ્વરૂપને ઓળખ્યું, તો તે વનરાજ થયો, મુક્ત થયો.
તમે પણ તમારા સ્વરૂપને ઓળખો. જીવનના ઉન્નત શિખર પર ચઢી ગર્જના કરો. સિંહવૃત્તિ કેળવો, તમારી આસપાસ ઘેરો ઘાલીને બેઠેલા વાસનાનાં બકરાં ભાગવા માંડશે, તમારી ત્રાડ સાંભળી લાલસા તો જીવ લઈ દોડશે. આજ સુધી ઇંદ્રિયોના સહવાસમાં રહીને આત્મા પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાનો શાશ્વત પ્રકાશ બધું જ ભૂલી ગયો છે, અને ઇંદ્રિયોની પ્રેરણાથી વાસના પાછળ પરવશ બનીને દોડે છે, એને જગાડો.
જીવનદ્રષ્ટાઓ આપણને સંબોધે છે. જાગો અને જુઓ, તમે કોણ છો ? તમારામાં કેવી અદમ્ય શક્તિ છુપાયેલી છે ! તમે ધારો તે કરી શકો, જે દુનિયામાં મહાન થયા તે તમારામાંના જ એક હતા. ભગવાન શ્રીનેમિનાથને શ્રીકૃષ્ણે પૂછ્યું ત્યારે, અને ભગવાન શ્રી મહાવીરને મગધપતિ શ્રેણિકે પૂછ્યું ત્યારે એમણે આ જ ઉત્તર આપ્યો હતો : તમારો આત્મા પણ મારા જેવો જ છે, અને મારા જેવું જ સ્થાન તમને મળવાનું છે, પણ આજ તમારો આત્મા કર્મોને આધીન છે, એટલી જ ભિન્નતા છે. કર્મના અને વૃત્તિઓના ક્ષયે આપણે સમાન છીએ સિદ્ધ-બુદ્ધ-મુક્ત.
તમે તમારી ઇંદ્રિયોનો, તમારા મનનો, તમારી યૌવનવંતી શક્તિઓનો અને તમારી બુદ્ધિનો એ રીતે ઉપયોગ કરજો કે જેથી તમારો આત્મા આજ જ્યાં છે, ત્યાંથી આવતી કાલે એક કદમ આગળ હોય, અને તમારા પ્રત્યેક નવપ્રભાતમાં આત્મજાગૃતિભરી પ્રગતિ હોય ।
=
Jain Education International
૬૨ * જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org