________________
છે, એ વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ.
રાજસ્થાનના ગામડાનો આ પ્રસંગ છે. બે ભાઈઓ છે, મોટા ભાઈનો વસ્તાર વધારે છે, નાના ભાઈનો વસ્તાર થોડો છે. બન્નેનાં ખેતરો છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી હૂંડાંનો ઢગલો થયો છે. રાત્રે મોટા ભાઈ વિચારે છે કે આ મારો ભાઈ નાનો છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે, નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારે પોતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મોટા ભાઈનો વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે ? હું તો જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પોતાના ખેતરના પૂળાઓને મોટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બેત્રણ દિવસ ચાલ્યું. ચોથી રાત્રિએ બંને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું. “તું ક્યાં જાય છે ?' બીજાએ પૂછ્યું, “તું ક્યાં જાય છે ?' બન્નેના હાથમાં પૂળા, પેલો આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય !
આ વિદ્યા છે, આ કેળવણી છે. નાના મોટાનો વિચાર કરે, મોટો નાનાનો વિચાર કરે. આ એકબીજાને સમજવાની શક્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત થાય છે. આવી વિદ્યા વિના કહો, સમાજ ઊંચો કેમ આવે ? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય ?
સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણા નહિ આવે તો મને લાગે છે કે આપણે હવામાં ઊડ્યા કરીશું. જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતો નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે પરંતુ સ્થિર નહિ હોય. હવામાં ઊડવાની પણ એક મર્યાદ્ય છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની, ધર્મની જાગૃતિ જો વ્યવહાર શુદ્ધિથી શરૂ ન થાય, બીજા જીવોમાં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગ્રત ન થાય તો જે ધ્યેય તરફ પહોંચવાનું છે ત્યાં એ કદી પહોંચી નહિ શકે. માત્ર આપણા શબ્દોમાં મોક્ષ, વિચારોમાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તો આવા સમાજદર્શનથી જ થશે.
શાશ્વત અને અશાશ્વતનાં મૂલ્યોનો વિવેક અને સર્વ ભૂતોમાં પોતાના જેવા જ ચૈતન્યનું દર્શન. આ અનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા.
૨૭૨ જીવન-માંગલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org