________________
સ્વાર્થની ધૂનમાં જ નમાજ પૂરી થઈ. કાજીએ કહ્યું : “અરે ! તમે તો ઊભા જ છો. અમારી જેમ વળી વળીને નમાજ તો પત્યા જ નહિ.” નાનકે કહ્યું : “નમાજ તો ખરી રીતે હું પઢયો છું, તમે નમાજમાં હતા જ ક્યાં ? એક જણ ઘોડા ખરીદવા ગયો હતો અને બીજો નાનકને વટલાવી નાખ્યો તેની મગરૂરીના ગર્વમાં ચકચૂર હતો.” બન્નેને આશ્ચર્ય થયું. અંદરની વાત એ કેમ જાણી ગયા !
વટલાવવાથી કંઈ કલ્યાણ થતાં નથી. પોતાને સુધારવાને બદલે બીજાને સુધારવાનો જાણે ઇજારો લીધો !
આપણે કોઈને સુધારવાનો ઇજારો લીધો નથી. પહેલાં તો આપણે પોતે જ સુધરી સ્વનો વિકાસ કરીએ.
પૂર્ણ વિકસિત અને શુદ્ધ આત્માના સંપર્ક માત્રથી જે સુધારો અને નિર્મળતા આવી શકે તે અણવિકસેલ અને અશુદ્ધ માણસનાં ભાષણોથી પણ નહિ આવે.
મારા અભ્યાસકાળમાં મારા ગુરુ કહેતા કે તું પ્રવચન આપે ત્યારે એવો ખ્યાલ પણ ન આવવો જોઈએ કે હું લોકોનો ઉદ્ધાર કરુ છું. તું એમ વિચારજે કે હું સ્વાધ્યાય કરવા બેઠો છું, અને એ સ્વાધ્યાયમાં આ બધા મારા સાક્ષી છે. સ્વાધ્યાયમાં ક્યાંય પ્રમાદ થાય તો શ્રોતાઓ સુધારે કે તમે આ વિષય ઉપર બોલતા હતા અને ક્યાં ઊપડી ગયા ? આમ તમારા સ્વાધ્યાયનો ઉપયોગ અખંડ રહે. શ્રોતાજનો તો તમારા પરીક્ષકો છે. તમે એકલા ચોપડી વાંચતા હો અને તમારે થોડીક વાર આરામ કરવો હોય તો કરાય, ચોપડી મૂકી પણ દેવાય, પણ એક કલાક પ્રવચન ચાલતું હોય એમાં એ ન ચાલે. સ્વાધ્યાય ચાલતો હોય અને એમાંનો કોઈ વિચાર કો'કને ગમી જાય, જચી જાય, અંતરમાં ઊતરી જાય, ક્યાંક લાગુ પડી જાય અને શુદ્ધિ આવી જાય તો તે સહજ છે. પણ ઉદ્ધાર કર્યાનો અહંકાર ન આવવો જોઈએ.
નદી વહે છે, વહેવાનો એનો સ્વભાવ છે. એનો એવો હેતુ નથી કે લાવ, ગામનાં લોકોનાં કપડાં ધોતી જાઉં, લોકોને પાણી પાતી જાઉં. એને તો વહેવું છે; સાગરમાં મળી જવું છે; વચ્ચે આવતાં ગામડાંઓના લોકોને પ્રવાહનો લાભ મળતો હોય તો એ એમનું સદ્ભાગ્ય છે.
એવી રીતે સાધુ સાધનાના પ્રવાસમાં પ્રયાણ કરી રહ્યો હોય છે. એમાં લોકો આવીને લાભ લેતા હોય તો બહુ સારી વાત છે. આમાં સાધુને ગર્વ નહિ આવે. ઘણાને તો અમુક દેશના ઉદ્ધારક હોવાનો ગર્વ આવી ગયો છે. પોતાના નામની આગળ વિશેષણ તરીકે એનો ઉપયોગ કરે ! કોઈ કોઈનો ઉદ્ધાર કરી
૨૫૪ * જીવન-માંગલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org