________________
માણસની સ્વાર્થવૃત્તિએ કતલખાનાં વધાર્યા છે. માણસને દૂધથી કામ છે, ગાયથી નહિ. પહેલાંના જમાનામાં ગાયને “માતા” કહેતા; દૂધ એ સાધન હતું. પશુની કરુણા મુખ્ય હતી. ત્યારે એના પ્રાણનો વિચાર હતો. પણ આજે ?
આજે એનો વિચાર કોણ કરે છે ? માણસ કહે છે : “અમને દૂધ મળી ગયું. પછી એ ગાયો ઘરડી થાય, નકામી થાય, કસાઈખાને જાય, ખાડામાં પડે કે ગમે ત્યાં જાય, એમાં અમને શું ?” આમાંથી છેલ્લો વિચાર એવો કેમ ન આવે કે બાપ કામ કરે, રળીને આપે અને માતા ઘરનાં છોકરાં રમાડે ત્યાં સુધી ડોસાડોસી કામનાં, પછી એ જાય વૃદ્ધઘરોમાં.
વધુમાં આજનો અદ્યતન યુવક કહે છે : “વૃદ્ધો નિરર્થક છે. એ લોકો કમાતા નથી. સમાજને, દેશને કોઈનેય લાભ આપતા નથી. એવાઓનો સંગ્રહ શા માટે ? એમને ઠેકાણે પાડો. જગ્યાની તંગી છે. આવાઓને ખસેડી જગ્યા કરો.”
આજ યુરોપમાં “ઘરડાંનાં ઘરો' વધતાં જાય છે. ત્યાંના ઘરડા-બુહૂઢા માણસો જ્યારે પ્રવાસે-ટૂર ઉપર આવે છે, ત્યારે તે કહે છે : “વૃદ્ધાવસ્થા એ ભારે મૂંઝવણનો પ્રશ્ન છે. એ શા માટે ? ઘરડાં થયાં એટલે કરવું શું ?'
- ઘરડાંઓને જોતાં આપણને દયા આવે. ધોળો વાળ દેખાય ત્યારથી તેમનામાં ચિંતા ઊભી થાય. પછી બિચારા દવા લગાડીને કાળા વાળ કરે; કરચલીઓ પડી ગઈ હોય તો એને મસાજ કરી સરખી કરાવે ને હંમેશા યુવાન દેખાવા પ્રયત્ન કરે. પણ કાળનો પ્રવાહ, દેહનો ધર્મ અને ઇંદ્રિયોમાં આવતું પરિવર્તન કેમ રોકાય ? માણસ ગમે એટલો સાવધાન રહીને પ્રયત્ન કરે તોપણ દેહ ઉપર કાળની અસર થવાની જ.
પ્રકૃતિનો ધર્મ પ્રકતિ છોડી દે તો પછી એમાં પ્રકૃતિપણું રહેતું નથી. પ્રકૃતિનો ધર્મ એ છે કે દરેક વસ્તુમાં પલટો લાવવો. લોખંડ જેવું લોખંડ અને સ્ટીલ જેવું સ્ટીલ પણ ઘસાઈ જાય છે. સ્ટીલના યંત્રોને પણ ઘસારો લાગે જ છે ને. પચીસ વરસ પછી એ યંત્ર પણ જૂનું બની જાય છે. આવું જોરદાર લોખંડ પણ જો ઘસાઈ જાય તો માણસના આ દેહને ઘસારો ન લાગે ?
આવા ઘસારા લાગેલા ઘરડા માણસને ક્યાં જવું ? એ હવે આજે કામ આપતો નથી એટલે આટલાં વર્ષ કરેલું એનું કામ પણ નકામું ગયું ? એનું મૂલ્ય કંઈ જ નહિ ? માત્ર ઉત્પાદનનું જ મૂલ્ય ? ઉત્પાદકનું સ્થાન કંઈ જ નહિ ? માણસ પ્રાપ્ત કરે તેનું જ સ્થાન; માણસનું કંઈ જ સ્થાન નહિ ?
હવે, પ્રાચીન કાળમાં શું હતું તે જુઓ : ચૈતન્ય અને રઘુનાથ બંને મિત્રો. મૈત્રી એવી કે જાણે પુષ્પ અને પરાગ.
જીવન-માંગલ્ય + ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org