________________
રહું અને આપની સેવા કરું એવી મને આજ્ઞા આપો.” ત્યારે ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું : “ઇન્દ્ર, સંસારમાં કોઈ પણ માણસ બીજાની મદદથી મુક્તિ મેળવી શકતો નથી; અને બીજાની મદદથી મેળવેલી મુક્તિ એ મુક્તિ નથી હોતી, તે બીજી ગમે તે વસ્તુ હોઈ શકે. મુક્તિ મળશે તો આપબળથી જ મળશે. જો પોતાની સાધનાથી તે નહિ મળે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિની મદદથી નથી મળવાની; એટલા જ માટે મારા ઉપર જે દુઃખો આવી રહ્યાં છે. એનું સ્વાગત કરવા માટે મને જ રહેવા દે, વચ્ચે તું ન આવીશ."
અરીસો પણ તમને એ જ કહે છે કે તમે સંસારની વસ્તુઓ પ્રત્યે મારી જેમ વર્તે તો પછી તમારા હૃદયના અરીસા ઉપર કોઈ જાતનો ડાઘ નહિ પડે. દુ:ખનો કે સુખનો પડછાયો ચાલ્યો જાય છે. પણ હૃદયનો અરીસો જે છે એ તો એ જ રહે છે.
કુંભારને પૂછી જોજો. અગ્નિમાં તપાવ્યા વિના એ કોઈ પણ ઘડાને બજારમાં મૂકે છે ? તે જાણે છે કે કાચો ઘડો મારી ઇજ્જત લેશે. પોતે જ સર્જેલા પોતાના પ્રિય ઘડાને બરાબર અગ્નિમાં તપાવે છે અને જે ઘડો પાકો થયેલો હોય એને માટે છાતી કાઢીને કહે છે કે “આ ઘડો લઈ શકો છો, એને ટકોરા મારી તપાસી શકો છો.”
એમ જે ભક્ત છે એ દુ:ખના તપમાં તપી તપીને પોતાની જાતને મજબૂત કરે છે અને એ સંસારને પડકાર કરે છે કે કોઈ પણ ટકોરે આ તૂટે તેમ નથી. કુંભાર ઘડાને પરિપક્વ કરવા જેમ અગ્નિનો ઉપયોગ કરે છે તેમ સાધકે આત્માને નિર્મળ કરવા અને કર્મના મેલને દૂર કરવા દુઃખનો પણ ઉપયોગ કરવાનો છે.
મરણ શું છે ? કપડાં બદલી નાખવાં તે. અને એમાં પણ જૂનાં કપડાં બદલવાં એ તો બહુ આનંદનો વિષય છે. વપરાઈ ગયેલાં, ફાટી ગયેલાં, જીર્ણ થયેલાં શરીર પડી જાય તો અફસોસ શો ? લગ્નની જેમ મરણને પણ ઉત્સવ માનવો જોઈએ. આ તો વિદાયનો ઉત્સવ છે. “ક્યાં જાઓ છો ?” તો કહો : પ્રભુના ધામમાં જઈએ છીએ.” મૃત્યુ એ તો જીવનની જ એક અવસ્થા છે. અને એટલા જ માટે સિદ્ધો મૃત્યુને ત્યાં થઈને પૂર્ણતામાં પહોંચી ગયા. મૃત્યુ એ મૃત્યુ જ હોત તો એ પૂર્ણતાને કેમ પામત ?
પણ તમારી નિર્બળતાએ, તમારી આસક્તિઓએ અને તમારી ભોગની તૃષ્ણાએ મૃત્યુને ભયંકર બનાવી દીધું છે. અતિ તૃષ્ણા જીવન પ્રત્યે જાગી છે અને તેથી મૃત્યુ એ જીવનની એક અવસ્થા છે એ વાત ભુલાઈ ગઈ છે.
૧૮૬ કે જીવન-માંગલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org