________________
દુઃખ આવે, મુસીબત આવે, કષ્ટ આવે તો તે સમયમાં હું ભાંગી ન પડું અને નબળો બનીને દીન ન બની જાઉં; એ દુઃખોને સહન કરવાની જે શક્તિ છે એ મને મળે, દુઃખને સહન કરવાની શક્તિ, સરકી જવાની યુક્તિ નહિ.” આ પ્રાર્થના એ જ બતાવી આપે છે કે જે ભક્ત છે એ દુઃખોને સહન કરવા માટે તત્પર છે અને એ દુઃખોને સહન કરવા માટે એને એક જાતની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. કઈ શક્તિ ? સ્વસ્થતાની શક્તિ.
તમે જોજો કે જ્યારે તમારી તબિયત સારી હોય, તમારા શરીરમાં કોઈ જાતની વ્યાધિ ન હોય ત્યારે સહજ સ્ફૂર્તિ અને સહજ સ્વસ્થતાનો તમને અનુભવ થવાનો. તમે પગથિયાં ચઢતા હો તો જાણે કૂદતા કૂદતા ચઢતા હો, તમે ચાલતા હો તો જાણે તમારા પગમાં વીજળીઓ ૨મતી હોય અને તમે બોલતા હો તો જાણે તમારા શબ્દોમાં ચૈતન્યનું સામર્થ્ય પ્રગટતું હોય. એ બતાવી આપે છે કે અંદર તંદુરસ્તી છે. પણ જ્યારે તંદુરસ્તી ચાલી જાય છે ત્યારે બોલવામાં પણ શિથિલતા આવે છે, ચઢતી વખતે પણ કેડે હાથ દેવો પડે છે. કોઈ મળવા આવે તો પણ બગાસાં આવે છે. આ બધું બતાવે છે કે તમે રોગી છો, માંદા છો. અસ્વસ્થ છો.
બીજા પાસેથી તમે જે પૂર્ણતા લાવ્યા છો એ એક જાતની માંદગી છે. પછી એ પૂર્ણતા સત્તાની હોય કે ધનની હોય, એ પૂર્ણતા કોઈએ આપેલી પદવીની હોય કે એ પૂર્ણતા કોઈક માણસે આપેલા મોભાની હોય એ બધું ભાડૂતી છે, બીજાએ આપેલું છે.
ત્યારે અંદર શું છે ? અંદર તો તું ગવર્નરનો ગવર્નર છો, રાજાધિરાજ છો, સર્વ સત્તાધીશ છો. પણ તું તારી સત્તાનો અનુભવ ચૂકી ગયો. હવે ફરી એ અંદર પડેલી સત્તાનો અનુભવ કરવો, એનું દર્શન કરવું, એનું સ્વસંવેદન કરવું એ જ આ મહાપુરુષોને સાંભળવાનો ૫૨મ હેતુ છે. એ હેતુ જો તમારી પાસે ન હોય તો કથા સાંભળી અને ઊતરી ગયા. શું લઈ આવ્યા ? તો કહે : “કાંઈ નહિ, કથા સાંભળીને આવ્યા.'' તમે કથા સાંભળી હોય તો એ કથા તમારા જીવનની વ્યથા દૂર કરી દે. જે વ્યથા દૂર ન કરે તેને કથા કેમ કહેવાય ?
આ શ્લોકમાં ઉપાધ્યાયજીએ કહ્યું કે પારકી પદવીથી (ઉપાધિથી) તું પૂર્ણ બનીને ડોલી રહ્યો છે, પણ ભાઈ ! તારી પૂર્ણતા તો પાંચ વર્ષની, દશ વર્ષની, પંદર વર્ષની, વીસ વર્ષની માગી લાવેલી પૂર્ણતા છે. ચૂંટણીમાં ચૂંટાઈને આવેલો હોય એ પાંચ વર્ષ માટે પ્રધાન બને. જ્યારે એ મુદત પૂરી થાય ત્યારે તમે
Jain Education International
૧૮૪ * જીવનમાંગલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org