________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત
સુંદર તોરણો, શ્રી નેમિનાથદેવ(ની પ્રતિમાથી) વિભૂષિત (અને) આત્મીયજનો, પૂર્વજો, વડીલ બંધુઓ (મલ્લદેવ, લૂણિગ), અનુજ (તેજપાળ), અને પુત્રોની મૂર્તિઓવાળો મુખોઘાટનક સ્તંભ (અને) શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૃતિ અનેક કીર્તનપરંપરા-વિરાજિત શ્રી નેમિનાથદેવાધિદેવથી વિભૂષિત શ્રીમદ્ ઉજ્જયંત મહાતીર્થ પર સ્વધર્મચારિણી...શ્રી લલિતાદેવીના પુણ્યની અભિવૃદ્ધિ માટે. નાગેન્દ્રગચ્છીય...શ્રી વિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવાદિ ૨૦ તીર્થંકરોથી અલંકૃત મંડપ સહિત શ્રી સમ્મેતમહાતીર્થાવતાર પ્રાસાદ કરાવ્યો.’૨૯
આ વાતનું વિશેષ સમર્થન આપણને સમકાલીનોએ રચેલી મંત્રીશ્વર વસ્તુપાલની પ્રશસ્તિઓમાંથી મળી રહે છે. જેમ કે સુકૃતસંકીર્તનમાં વસ્તુપાળના સુકૃતોની નોંધમાં, કવિ અરિસિંહ ગિરનાર પરનાં નિર્માણકાર્યોની નોંધ આ પ્રમાણે આપે છે : “ઉજ્જયંતગિરિ પર સ્તંભનપુરતીર્થપતિ તથા શત્રુંજયાચલ જિન સ્થાપ્યા.’૩૦ અહીં માત્ર પ્રતિમાઓ સ્થાપી એમ નથી; એ બન્નેના પ્રાસાદો કરાવ્યા એવો અર્થ કરવાનો છે; એ વાત જયસિંહસૂરિની ભૃગુકચ્છના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં એક કાળે મુકાયેલી મંત્રીશ્વર વસ્તુપાલની સ્તુતિ કરતી ‘શકુનિકાવિહારપ્રશસ્તિ’માં તદ્દન સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. ત્યાં : “અને ઉજ્જયંત ગિરિનેમિચૈત્યે નાભેય અને પાર્શ્વજિનના સદન-યુગ્મનું વિધાન કર્યુ”” એમ હકીકત નોંધી છે. નરેન્દ્રપ્રભસૂરિએ આ બન્ને ઉપરાન્ત ‘વીરજિન’નું ગૃહ નિર્માવ્યાની પણ વાત કહી છે. શત્રુંજય
પર કરેલાં કાર્યોની યાદી આપ્યા બાદ પ્રશસ્તિકાર ઉજ્જયંતગિરિનો ઉલ્લેખ કરતાં કહે છે : “(અને) વિશેષમાં રૈવતકભૂભૃત શ્રીનેમિચૈત્યે શ્રીવસ્તુપાલે પ્રથમ જિનેશ્વર (આદિનાથ), પાર્શ્વ, અને વીરનાં (એમ) ત્રણ જિનવેશ્મ (નવાં) કરાવ્યાં.” આમાં કહેલ ‘વીર’ તે ‘વસ્તુપાલવિહાર’ના શિલાલેખમાં કહેલ ‘સત્યપુરમહાવીર'નું દેવાલય હોવું જોઈએ. આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં મંદિરો આથી સ્પષ્ટપણે જુદાં, એકબીજાથી ભિન્ન હોવાનું પુરવાર થાય છે”.
બીજી વાત એ છે કે શ્રી અત્રિનું કથન આછી શી એવી છાપ ઊભી કરે છે કે ગિરનારવાળો પ્રસ્તુત લેખ વસ્તુપાળ-તેજપાળનો હોય યા એમની સાથે સંકળાયેલો હોય. તેજપાળનું નામ એક સ્થળે કેવળ સંદર્ભગર્ભ રહે છે, પણ લેખ વરડિયા કુટુંબનો છે તે વિશે લંબાણપૂર્વકની ચર્ચા આ અગાઉ અહીં સ-પ્રમાણ થઈ ગઈ છે. શત્રુંજય તથા ગિરનાર પરનાં વસ્તુપાળનાં એકએક બાંધકામનો આમાં ઉલ્લેખ છે, પણ ‘જાબાલિપુર’નું ‘પાર્શ્વનાથ મંદિર’ તો ગુર્જરેશ્વર કુમારપાળનું બંધાવેલું, વસ્તુપાળ-તેજપાળનું નહીં. એથી ગિરનારના આ શિલાલેખમાં ઉલ્લિખિત સ્થળોમાંના તમામમાં “મંત્રીદ્વય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે” તેમ સાવ સાંગોપાંગ કહી શકાય તેવું નથી.
નિ ઐ ભા૰ ૨-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org