________________
પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો
૨૧૭
બ્રાહ્મણમંદિરો કરતાં જૈન મંદિરોમાં વિશેષે સંભવે છે. ત્યાં છચોકી કે નવચોકીમાં અને ભમતીમાં આવી છતો માટે વિશેષ અવકાશ રહે છે. બ્રાહ્મણ-મંદિરોમાં મંડપોનું તલ-આયોજન જુદા પ્રકારનું હોવાને કારણે ત્યાં અર્ધમંડપો કે મુખમંડપોમાં આવી છતો મળી આવવાનાં ઉદાહરણો છે ખરાં, પણ જૂજવાં. અણહિલવાડ પાટણ, કર્ણાવતી, સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, ધવલ, વામનસ્થલી, ઉન્નતપુર, અને મંગલપુરનાં મંદિરોનાં કાટમાળમાંથી બનાવેલી મસ્જિદોનાં સમાંતર દૃષ્ટાંતો તપાસીએ તો ત્યાં પણ બહુધા જૈન મંદિરોમાંથી જ સામગ્રી લેવામાં આવી હોય એવું સ્પષ્ટ રીતે જ જણાઈ આવે છે. નવચોકીઓ, નૃત્યમંડપ, પાર્શ્વમંડપ, બલાનક અને ચોવીસ, બાવન, કે બોતેર દેવકુલિકાઓનો પરિવાર ધરાવતાં મધ્યકાલીન જૈન મંદિરોનું વિશિષ્ટ તલ-આયોજન અને એને કારણે પ્રગટ થતી વિપુલ સ્તંભાવલી અને વિતાનગણ મુસ્લિમોને મસ્જિદોમાં ઉપયોગ કરવા માટે ખૂબ જ સહેલાં અને સગવડભરેલાં લાગેલાં.
ચંદ્રપ્રભ-જિનાલય, કુમાર-વિહાર, અને અષ્ટાપદ-પ્રાસાદ હાલની જુમા મસ્જિદના સ્થળ ઉપર કે એને તદ્દન નિકટવર્તી હતાં, પણ આ આદિનાથ-મંદિરનું સ્થળ ક્યાં હોવાનો સંભવ છે એ વિચારવું ઘટે. એ સુનિશ્ચિત છે કે પ્રભાસથી ગામની બહાર આવેલી આ માઈપુરી મસ્જિદના સ્થાને તો આ આદિનાથનું મંદિર નહિ જ હોય, કારણ કે જૈન મંદિરો નગર બહાર આમ એકલાં અને અટૂલાં ભાગ્યે જ બંધાતાં. પ્રભાસપાટણ ગામમાં જુમા-મસ્જિદથી ઈશાને આવેલ સુતારવાડામાં ૧૩મી શતાબ્દીની જૈન-પ્રતિમાઓની ખંડો, પરિકરોના ભગ્નાવશેષો અને શિલાલેખો ઠીક ઠીક પ્રમાણમાં મળી આવ્યા છે. પ્રભાસપાટણની જૈન પરંપરા અનુસાર પણ એ સ્થળે કોઈ પ્રાચીન જૈન મંદિર હોવાનું કહી જાય છે. આ સ્થળની આસપાસમાં જ તેજપાલે બંધાવેલ આદિનાથ-પ્રાસાદનું મૂળ સ્થાન હોવું જોઈએ.
(૫) ઈ. સ. ૧૯૫૬માં આ લેખના લેખકોને પ્રભાસ શહેરના સર્વેક્ષણ દરમિયાન ચોગાન મસ્જિદમાંના “હુજરા'માં એક સુંદર વિતાન જોવામાં આવ્યો. આ ચોગાન મસ્જિદના પ્રાર્થનાગૃહમાં વચલી મહેરાબ સામે ચોરીના કુંભયુક્ત ચાર સ્તંભો હતા, જેને હમણાં જ વાટાથી પૂરી દેવામાં આવ્યા છે. હજરાવાળા વિતાનમાં નીચલા કોલના થરો હાલ પ્રાપ્ત નથી, પણ જ્યારે એ પૂર્ણ હશે ત્યારે લગભગ ૧૫-૬" જેટલા વ્યાસવાળો હશે. આ વિતાનમાં રૂપકંઠ જો કે નષ્ટ થયેલ છે, તો પણ ગજલાલુની પ્રથમ શ્રેણિમાં સંધિઓમાં સોળ સાલ જોવામાં આવે છે જે દેખીતી રીતે જ આ સોળ સાલ સોળ વિદ્યાદેવીઓના શિરપૃષ્ઠ રહેલા માંકડાઓની પકડ માટે હતાં. આ વિતાન નક્કી કોઈ જૈન મંદિરનો હોવો જોઈએ (ચિત્ર ૧૦). વિતાનની શૈલી ૧૩મી શતાબ્દીના પૂર્વાર્ધની શૈલી કરતાં પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે. કોલની શિરાઓ વધુ પડતી સંખ્યામાં કરી નાખવામાં આવી છે. અંતિમ વર્તુળમાં કંડારેલ પદ્ધો ભારેખમ અને પ્રમાણહીન છે. આ સમગ્ર કામ વાઘેલા યુગના અંત સમયની સમીપનું લાગે છે.
નિ, ઐ, ભા. ૨-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org