________________
વિમલવસહીની કેટલીક સમસ્યાઓ
૧૦૧
ઈ. સ. ૧૪૪૧) ૪, ને તે પછીનાં થોડાંક જ વર્ષમાં સોમધર્મ દ્વારા રચાયેલ ઉપદેશસપ્તતિકા (સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭) ૫ આદિ ગ્રંથોમાં પણ વિમલવસહીની સ્થાપનાની એ જ મિતિ બતાવી છે. આ સૌ પાછળના કાળમાં પણ ઢગલાબંધ પ્રમાણો જોતાં વિમલવસહીનું નિર્માણ ઈ. સ. ૧૦૮૮માં થવા બાબત શંકા કરવાને કોઈ જ કારણ નથી. ચૌદમા શતકના પ્રથમ ચરણમાં, જીર્ણોદ્ધારકોના સમયમાં, તેમ જ એમના સમકાલીન જિનપ્રભસૂરિની અબ્દયાત્રા સમયે મંત્રીશ વિમલનો મૂળ પ્રશસ્તિલેખ મોજૂદ હશે તેમ જ તદ્વિષયક અન્ય પુરાણાં વાયિક સાધનો પણ તે કાળે હજી ઉપલબ્ધ હશે જેના આધારે તેઓ, અને તેમને અનુસરીને ૧૫મા શતકના લેખકો, પ્રતિષ્ઠા-મિતિ સંબંધમાં આટલા નિશ્ચયપૂર્વક કહી શકયા હશે.
વિમલ-વસતિકાનું વર્તમાન સ્વરૂપ આ પ્રકારે છે : કાળા પથ્થરના “મૂલપ્રાસાદ' અને ગૂઢમંડપ', એને જોડાયેલાં આરસનાં મુખમંડપ' (નવચોકી) અને “રંગમંડપ', એ સૌ ફરતી આરસી દેવકુલિકાઓ રૂપી જિનાલયોના સમૂહથી સંયોજાતી પટ્ટશાલા સમેતની “બ્રમન્તી’ (ભમતી); તે પછી આ બાવન-જિનાલયની સામે કાળા પથ્થરની “હસ્તિશાલા', અને હસ્તિશાલાને બાવન જિનાલયની “મુખચતુષ્કી” (મુખચોકી) સાથે જોડતો ‘વિતાન'(છત)વાળો સાદો મંડપ : (જુઓ અહીં તળદર્શન).
મંત્રીશ્વર વિમલે કરાવેલ મૂળ વસતિકા આ પ્રમાણે હતી : મંદિર છે ત્યાં મૂળ ખડકાળ ભૂમિ જરા પૂર્વ અને દક્ષિણ તરફના ઢાળવાળી છે; એટલે જ્યાં જ્યાં ઢાળ નડ્યો હશે ત્યાં પૂરણી કરી, નીચી થી જગતી જેવું કરી લેવામાં આવ્યું. એ ભૂમિ પર ગર્ભગૃહયુક્ત મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, રંગમંડપ, અને હસ્તિશાલાની રચના વિમલમંત્રીએ કરાવી; જ્યારે સોમધર્મના કથન અનુસાર “મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું.”૧૮ સારુંયે બાંધકામ સાદાઈભર્યું અને કાળા પથ્થરમાં હતું. જે કંઈ થોડું લગાવેલું રૂપકામ હતું તે મોટા ભાગનું શ્વેત આરસમાં કરેલું. આમ કેમ બન્યું હશે ? ધનાઢ્ય મનાતા ને ચંદ્રાવતીશ ગણાતા મંત્રીશ્વરનું સમસ્ત મંદિર આરસનું અને અલંકારપૂર્ણ શા માટે નહોતું? સંભવતયા સંચારવ્યવસ્થાની મુશ્કેલીઓને કારણે બાંધકામ માટેના મોટા કદના આરસના ખંડો નીચેથી ઉપર લઈ જવાનું હજી એ કાળે શક્ય નહીં બન્યું હોય; એથી જ તો કદાચ સ્થાનિક, કે પછી નજીકમાં મળતા કાળા પથ્થરથી, ચલાવી લેવું પડ્યું હોય; જયારે આરસી રૂપકામના ઘડેલા નાના નાના ટુકડાઓ ચંદ્રાવતીથી ઉપર લાવી લગાવ્યા હોય કે પછી આરાસણની ખાણમાંથી નાના નાના આરસી ખંડો ડુંગર ઉપર લઈ જઈ એના ઉપર ચંદ્રાવતીના શિલ્પીઓએ ત્યાં રૂપ ઘડ્યાં હોય.
મંત્રીશ્વર વિમલે કરાવેલ જિનાલયનો કેટલોક ભાગ આજના સમયે હજુ કાયમ રહ્યો છે તે જોવા જોઈએ તો કાળા પથ્થરનો મૂલપ્રાસાદ નિશ્ચયતયા એ કાળનો જ છે તેમ તેની શૈલી પરથી જણાઈ આવે છે. મૂલચૈત્યનું તળ તેમ જ ઘાટડાં સાદાં છે. ઉપરના ભાગે શિખર કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org