________________
પૂર્વાવલોકન
સામાન્ય રીતે સહુ ઉચ્ચ શિક્ષણ માટે પોતે પસંદ કરેલા વિષયમાં રુચિ ધરાવે છે, પરંતુ ક્યારેક સમય જતાં કોઈને પોતાની રુચિના વિષયમાં સાવ પરિવર્તન આવે છે અથવા એ વિષયની ક્ષિતિજો વધુ વ્યાપક બને છે. શ્રી મધુસૂદન ઢાંકી મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી, પણ સંયોગવશાત્ પુરાતત્ત્વના અભ્યાસી બની ગયા. મંદિર-સ્થાપત્યના તજ્જ્ઞ તરીકે તેઓ નામાંકિત છે. વળી સંગીતકલાના પણ નિષ્ણાત. ને ઉપરથી જૈનવિદ્યાનાં વિવિધ પાસાંઓના પણ પ્રખર અભ્યાસી બન્યા. આ ગ્રંથમાં એમણે નિર્ચન્થ સંપ્રદાયના અનેક ગ્રંથો તથા ગ્રંથકારોની ઐતિહાસિક મીમાંસા કરતા સંશોધન-લેખોનો સમુચ્ચય કર્યો છે. એમાં સમાવિષ્ટ ૩૪ લેખ જૈનવિદ્યાના સાહિત્યિક પાસાના અધ્યયન-સંશોધનમાં એમણે કરેલી સમીક્ષા સપ્રમાણ પ્રસ્તુત કરી છે. આ લેખોમાં વિદ્વાનૂ લેખકે આનુશ્રુતિક આશ્રયોને છતાં કરી પ્રામાણિત તથ્યો તારવવાનો અવનવો અભિગમ અપનાવ્યો છે.
આ લેખ-સમુચ્ચયમાંના પ્રથમ બે લેખ સર્વાગ નિર્ઝન્થ-દર્શનને લગતા છે. ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ ક્યારે થયો? શ્રી ઢાંકીએ સાહિત્યના તથા પુરાતત્ત્વના વિવિધ ઉપલબ્ધ સંદર્ભ ટાંકીને પ્રતિપાદિત કર્યું છે કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમી સદીથી નિઃશંક પહેલાં, ઈસ્વીસની બીજી સદી સુધીમાં, ને પ્રાય: ઈ. સ. પૂ. બીજી સદી જેટલા પ્રાચીન સમયમાં થયો હતો. નમસ્કાર મંત્રને લગતા લેખમાં શ્રી ઢાંકીએ દર્શાવ્યું છે કે પંચપરમેષ્ઠી-નમસ્કાર” પૈકી પ્રથમ બે પદ જ મૂળમાં પ્રચલિત હતાં, બાકીનાં ત્રણ પદ પ્રાયઃ શક-કુષાણ કાળમાં ઉમેરાયાં.
લેખ ૩માં ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્યના ઉપલબ્ધ ઉલ્લેખ સંકલિત કરી, એ બે પૂર્વવિદ્ આચાર્ય ઈસ્વીસના પાંચમા શતકમાં થયા હોવાનું દર્શાવ્યું છે. લેખ ૪માં ત્રણ જૂના જૈન ગ્રંથોમાં મળતાં “સ્વભાવ-સત્તા' વિશેનાં ઉદ્ધરણોની મીમાંસા કરી છે. લેખ પમાં સ્વામી સમતભદ્રના સમયને લગતા આનુશ્રુતિક સમયની તથા સંશોધિત સમયની સપ્રમાણ વિગતે છણાવટ કરી, અંતે સમંતભદ્ર ઈસ્વીસન્ ૨૫૦-૬૨૫ના સમયગાળામાં થયાનું પ્રતિપાદિત કરી, લેખકે યથાર્થ ટકોર કરી છે કે “સમંતભદ્ર માની લીધેલા કાળથી વાસ્તવમાં ત્રણ-ચાર સદી મોડા થયાની હકીકતથી એમના મહત્ત્વને કોઈ જ આંચ આવતી નથી, આવી શકતી નથી !'
લેખ ૬માં ઉત્તર ગુજરાતમાં થયેલા સુપ્રસિદ્ધ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ વિશે ઉત્તરકાલીન સંદર્ભગ્રંથોમાં મળતા વિભિન્ન-નિર્દેશો સંકલિત કરી એમાંની વિશ્વસ્ત અને અશ્રદ્ધેય બાબતોને અલગ તારવી, પ્રબંધોમાં આવતા વિસંવાદો અને એને લગતી ઐતિહાસિક સમસ્યાઓની છણાવટ કરી, ઉપલબ્ધ મિતિઓને ચકાસી, બપ્પભદિસૂરિની પ્રાકૃત-સંસ્કૃત રચનાઓનો તથા તેમની કવિપ્રતિભાનો લેખકે વિશદ પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org