________________
પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૯૧
તામ્રપત્રો હશે તો તે હજી હાથ લાગ્યાં નથી.
ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં જોઈએ તો પાલિત્તાનકની સ્થાપના અંગેની કથામાં પ્રભાચંદ્ર તેમજ તેમનાથી ૯૨ વર્ષ પૂર્વે સોમપ્રભાચાર્ય તે શહેર નાગાર્જુને વસાવ્યાનું કહે છે. નાગાર્જુન માટે સોમપ્રભાચાર્યે “ભિખુ” શબ્દનો પ્રયોગ કર્યો છે, જે એમનું બૌદ્ધત્વ સૂચિત કરે છે. ઢાંક સાથેનો તેમનો પ્રભાવકચરિતમાં નિર્દેશેલ સંબંધ પણ સૂચક છે કેમકે અઢી દાયકા પૂર્વે ડૉ. હરિલાલ ગૌદાનીને, ત્યાંથી સાતમા શતકના આરંભની બૌદ્ધ મૂર્તિઓ જડી આવેલી અને બન્ને ઢાંકને બદલે ગિરિનગરમાં મળ્યા હોય તો સાતમા શતકમાં ત્યાં મહાયાન બૌદ્ધો સારી સંખ્યામાં હોવાનું પ્રસિદ્ધ ચીની બૌદ્ધ મુનિ-યાત્રી શ્યન ચાંગનું કથન છે (આ. ઈ. સ. ૬૪૨)૨૭. પ્રસ્તુત નાગાર્જુન “રસસિદ્ધ' હોઈ તેઓ ઈસ્વીસનની બીજી શતાબ્દીના અરસામાં થઈ ગયેલા પ્રસિદ્ધ મહાયાન દાર્શનિક નાગાર્જુન નહીં પણ ઉત્તરકાલીન મહાયાન સંપ્રદાયના— વજયાનના પ્રારંભથી અતિ દૂર નહીં એવા કોઈ-ભિક્ષુ હોઈ શકે છે. (બૌદ્ધોમાં નાગાર્જુન નામધારી એકથી વિશેષ આચાર્યો થઈ ગયા છે.) બીજી બાજુ પાદલિપ્તસૂરિ પણ ઢાંક તેમ જ ગિરિનગર ગયેલા એવું કહાવલિથી માંડી પ્રભાવકચરિત સુધીના જૈન મધ્યકાલીન ચરિત્રકથા સાહિત્યમાં નોંધાયેલું છે. (ઢાંકમાં છઠ્ઠી-૭મી સદીની શરૂઆતમાં મૂકી શકાય તેવી જૈન ગુફાઓ છે.) અને પ્રબંધોનાં વર્ણનો પરથી તો પાદલિપ્તાચાર્યનાં પણ મંત્ર-તંત્ર તરફની રુચિ અને કીમિયાઓનો શોખ સિદ્ધ નાગાર્જુનથી ઉતરે એવાં હોય તેવું લાગતું નથી ! (બન્નેની મિત્રતા પણ એ જ કારણે થઈ હશે !) પાલિત્તાનકની સ્થાપના શિષ્યભાવે (કે મૈત્રીભાવે) જો સિદ્ધ નાગાર્જુને કરેલી હોય તો તે સાતમા શતકમાં, મોટે ભાગે એના ઉત્તરાર્ધમાં, થઈ હોવી જોઈએ. આદિ પાલિત્તસૂરિની જેમ આ બીજા પાલિત્તસૂરિ પણ જૈનાગમો આદેશિત કઠોર મુનિચર્યાનું અનુશીલન કરતા હોવાનું જણાતું નથી. હકીકતે આ દ્વિતીય પાલિત્ત તો ચૈત્યવાસી પરંપરાના જૈન યતિ હોવાની સ્પષ્ટ છાપ ઉપસાવે છે; પણ શિથિલાચાર હોવા છતાંયે પોતે જ ઊઠીને પોતાના નામથી ગામ વસાવવા જેટલી ધૃષ્ટતા આચરે તેવો સંભવ ઓછો છે. આથી નાગાર્જુને પાલિતાણા વસાવ્યાની અનુશ્રુતિ કાઢી નાખવા જેવી નથી.
પાલિતાણાની પ્રાચીનતા ઈ. સ. ૮૧૮-૮૧૯વાળા ઉલ્લેખથી આગળ લઈ જઈ શકાય તેવું એક આડકતરું પ્રમાણ ઉપલબ્ધ છે. ઉદ્યોતનસૂરિની કુવલયમાલાકહા(સં. ૮૩૫ | ઈ. સ. ૭૭૯)માં શત્રુંજયગિરિ પરનાં સિદ્ધો (સિદ્ધાયતનો)ની વંદનાર્થે જતા ચારણનો ઉલ્લેખ આવે છે. ગિરિ પરના તે સમયના મંદિરો વિશે વિચારીએ તો મુખ્યત્વે તે જિન વીર, યુગાદિદેવ, અને શાંતિનાથનાં હશે અને તેની સ્થાપના કુવલયમાલાકારના કાળ પૂર્વે થઈ ચૂકેલી એટલું તારવી શકાય. પ્રભાવકચરિતકાર આમાંથી જિન વીરના મંદિરનું નિર્માણ નાગાર્જુન પર આરોપિત કરે છે; અને પાદલિપ્તસૂરિએ અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા કરી તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org