________________
આપણને આર્તધ્યાન ન શોભે
તત્ર મુનિરાજ શ્રી ................... આદિ યોગ્ય અનુવન્દના - વન્દના - સુખશાતા. એક વિચાર મનમાં ઘૂમરાય છે તે તમારી સાથે વહેંચુ છું. સ્વ. આચાર્ય શ્રી જિતેન્દ્રસૂરિ મહારાજે છેલ્લા ચોમાસામાં સુરત ભટાર રોડમાં એવું કહ્યું હતું કે, મારા ત્રેપન વર્ષના દીક્ષા પર્યાયમાં ત્રેપન મિનિટ પણ આર્તધ્યાન થયું નથી.'
આપણી વચ્ચે ફરતાં ફરતાં સાધુના આ ઉદ્દગાર છે જે આપણા વર્તમાનનાં શ્રમણોની આંખ ઉઘાડવા માટે પૂરતાં છે.
ત્રેપન વર્ષ જેટલા વિશાળ જીવનપટમાં શું એમને આર્તધ્યાન માટેના નિમિત્તો નહીં મળ્યા હોય! મળ્યા જ હશે!
તમે તો જોયા પણ હશે. અમે તો એ મહાત્માને નજીકથી જોયા છે, જાણ્યા છે. ભેરુતારકના પ્રભુજીના અંજન-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાથે રહેવાનું થયું હતું ત્યારે નજીકથી જોયા. ચારેક વાર મળવાનું થયું છે.
સાવ ખાખી મહારાજ લાગ્યા. ખપી પણ એવા જ! ભેરુતારકમાં પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ તથા અમારી વાચના ચાલતી હતી. એ સાંભળવા માટે ઘણાં સાધુ-સાધ્વીજી ભેગા થઈ જતાં ત્યારે તેઓશ્રી સામેથી આવીને બેસી જતા; કહે, “અમને મેવાડમાં ક્યાં સાંભળવા મળવાનું છે ?” વળી જ્યાં જ્યાં પૂરક જણાય ત્યાં બે-ચાર વાક્ય બોલતા પણ ખરા! જ્ઞાનના એવા અઠંગ ગવેષક કે જ્યાંથી મળે ત્યાંથી મેળવે ખોજી કેવા હોય એમ કોઈ પૂછે તો ઉદાહરણરૂપે બતાવી શકાય તેવા ખોજી હતા.
૯૫
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org