________________
વળી બીજું સ્મરણ પણ મનમાં ઝબકે છે ઃ ઋતુરાજ વસંતના દિવસોમાં દખ્ખણાદા વાયરાએ મારા તનબદનની છાબને ભરી દીધી છે. આ હર્ષ અને આનંદ અનેરો છે.
દુઃખ વિષાદપ્રદ છે, નયનમાં પાણી લાવે તેવાં પણ છે. છતાં તે તો હૃદયના ઊંડા થરની ભીતર છે, વિઘ્નરૂપ નથી. બલ્કે એ વેદના તો નિજીરસથી સાધનાને સફળ કરે છે. દુઃખ નથી એવું નથી. પણ તે તો ઉપરની સપાટીએ તરતાં હોય તેવાં નથી; ઊંડાણમાં છે. પૂર્ણ વિધેયાત્મક દૃષ્ટિથી જોતાં, સાધના સફળ કરવામાં થયેલા તેના યોગદાનને કવિ સંભારે છે.
વળી વેદના-સ્મૃતિ ઝબકી કે કવિ સહસા સમગ્રતાના પરિપેક્ષ્યમાં મૂલવતાં અને અનર્ગળ આનંદની પડછે જોતાં કહી ઉઠે છે : એટલા સારું હાહાકાર કોણ કરે ! અને એમ એ વેદના વિસરાઈ હતી અને અંતરંગ પ્રેમસૃષ્ટિ સાથેનો પ્રેમ-તાંતણો બંધાયો હતો, સ્નેહનો સૂર સધાયો હતો. આજે જીવનના ઉત્તરાર્ધમાં બેસીને પાછળ નજર માંડતાં યાદ કરે છે. એ જ તો યાદ રાખવા જેવી વાત-મૂડી છે. જે છાલથી ફળ સુરક્ષિત રહ્યું તે છાલને હવે શું પકડી રાખવાની હોય ? હવે તો તેનો છાલ છોડવાનો હોય ! કવિ ફળને સાચવી લઈ છાલને દૃષ્ટિથી પણ દૂર કરે છે.
કવિનો આ અભિગમ ફક્ત કાગળ પરનો ન હતો. શરીરના અંગ સમા સ્નેહીજનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે એ કરુણ પળો કરુણામાં ફોરી ઉઠી હતી ! બાહ્યજીવન પરત્વેની અલિપ્તતા તો એવી કેળવાઈ હતી કે કવિવરને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે પૂર્ણ અંતર્મુખી થઈ ગાઈ ઉઠે છે ઃ ‘એ મણિહાર આમાય નાહિ સાજે’ -‘આ મણિહાર મને શોભતો નથી’
મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર એમની કવિતાઓના શબ્દેશબ્દ પ્રમાણે જ જીવ્યા હતા ! આજે પણ કવિ એકેએક બંગાળીના હૃદયસ્વામી છે; પ્રત્યેક ભારતીયના આદર્શ છે; સાહિત્યસ્વામી તરીકે દુનિયાભરમાં પંકાયા છે. કવિના શબ્દોને ‘આમિ અવાક્ હયે શુનિ, કેવલ અવાક્ હયે શુનિ...’
--આપણે કેવળ સાંભળતા જ રહીએ અને જીવનની ઊજળી બાજુ તરફ જોવાનું રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
૨૦૧
www.jainelibrary.org