________________
૧૩૪
જેમાં અઢાર દેરાસર ભેળવવામાં આવ્યા છે તે માટેનો મૂળ પ્રયાસ આ શ્રી નીતિવિજયજી મહારાજનો.
જ્યારે પૂજ્યપાદશ્રી ખંભાત પધાર્યા ત્યારે આ શ્રી નીતિવિજયજી દાદાએ પૂજ્યપાદનો પ્રભાવ જોઈને કહ્યું હતું કે, આ શ્રાવકો માનતા નથી. તમે ધારો તો આ કામ કરાવી શકશો. અને પૂજ્યપાદશ્રીએ શ્રાવકોને સમજાવીને અઢાર દેરાસરનું એક દેરાસર કરાવડાવ્યું!
આ નીતિવિજયજી દાદાનું બીજું નામ નિત્યવિજયજી પણ હતું. તેઓ શ્રી બુટેરાયજી મહારાજના શિષ્ય હતા. તેઓ મૂળ સુરતના ઝવેરી હતા, નામ નગીનદાસ હતું. જન્મ વિક્રમ સંવત ૧૮૭૬ના બેસતા વર્ષનો દિવસ. પિતાજીનું નામ નારણદાસ ધરમચંદ અને માતાનું નામ નંદકોર. તેમની દીક્ષા, સાડત્રીસ વર્ષની ઉંમરે, ભાવનગરમાં વિક્રમ સંવત ૧૯૧૩માં પૂજ્યપાદ શ્રી મૂલચંદજી મહારાજના હસ્તે થઈ. તેઓ શ્રી ચોત્રીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી, એકોતેર વર્ષની વયે, વિક્રમ સંવત ૧૯૪૭ના ભાદ્રપદ સુદ આઠમના દિવસે કાળધર્મ પામ્યા.
તેઓ એવા વૈરાગી હતા કે, તેઓશ્રીના શિષ્ય શ્રી મણિવિજયજી પાસે પણ શ્રી નીતિવિજયજી દાદાના જીવનની માહિતી હતી નહીં તેથી તેઓ સુરતમાં બિરાજમાન પૂજ્યપાદ સાગરજી મહારાજને જીવનની વિગત પૂછાવે છે. અહીં પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર આપ્યો છે.
શ્રી મણિવિજયજી મહારાજ અંગ્રેજી ભાષા સારી રીતે જાણતા હતા. અંગ્રેજી પુસ્તકોનું વાચન પણ સારું હતું. તેઓ પૂજ્યપાદ શ્રી સાગરજી મહારાજના ભાઈ હતા, પરંતુ બન્નેના શરીરના બંધારણમાં ઘણો તફાવત હતો. સાગરજી મહારાજ બેઠી દડીના હતા જ્યારે શ્રી મણિવિજયજી મહારાજ ઠીક-ઠીક ઊંચા અને કદાવર હતા. તેઓની આંખે ચમા પણ હતા. સ્વાધ્યાયપ્રેમી હતા. પંચાશક અને પંચવસ્તુ (મૂળ) જેવા ગ્રંથો કંઠસ્થ કરવાનો અભિગ્રહ ધરાવતા હતા. તેઓનો કાળધર્મ તળાજા પાસેના ત્રાપજ ગામે થયો હતો. આચાર્ય શ્રી કુમુદસૂરિ મહારાજ, કોઠવાળા શ્રી કમળવિજયજી મહારાજ વગેરે તેઓના શિષ્ય પરિવારમાં હતા.
આમ બન્ને ગુરુ-શિષ્ય, શ્રમણ જીવનનો એક આદર્શ મૂકી ગયા. વન્દના હો, તેઓશ્રીના ચરણોમાં!
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org