________________
સ્નેહાળ સંબંધ એ, હૃદયની સરજત છે
સંયોગ એ સંસારનું મૂળ છે. સંસારમાં તેના વિના રહેવાતું નથી. સંયોગનું થોડું સ્થાયી રૂપ તે, સંબંધ છે. એક બીજા સાથેના સંબંધની આધારશિલા, સ્નેહ છે. નદીનાં પાણીનો સંગ્રહ કરવા જે બંધ બંધાય છે તેમાં, સિમેંટ જોઈએ; તેમ હૃદયના શુભ ભાવોના પ્રવાહને વહેવડાવવા માટે જે સંબંધ બંધાય છે તેમાં, સ્નેહ જોઈએ. આ સ્નેહ તે, હૃદયની નીપજ છે; ત્યાં બુદ્ધિનું કામ નથી.
જ્યારે બુદ્ધિનું ગણિત શરૂ થાય છે, ત્યારથી સ્નેહની ભૂગોળના સીમાડા સાંકડા થતા આવે છે અને સંબંધનો ઇતિહાસ પૂર્ણવિરામની નજીક પહોંચે છે, આવરદા ઘટે છે. પછી તે સંબંધ ભાઈ અને ભાઈ, પિતા અને પુત્ર જેવાં સ્વજનોનો હોય કે મિત્ર – જ્ઞાતિના પરિજનોનો હોય, તેમાંથી મીઠાશ ઊડી જાય છે. વ્યવહારરૂપે તે ટકે છે –-બનાવટી ફૂલોની જેમ ! હૃદયના પાતાળકૂવામાંથી ફૂટતા ઝરા પાસેથી ગણિત તો દૂર જ રહે છે, ભૂગોળના સીમાડા ભૂંસાઈ જાય છે અને ઇતિહાસ પોતાની લાખેણી જગ્યા તેના માટે અનામત રાખે છે. આ સંબંધો આદાન અને પ્રદાન વડે જીવંત રહે છે. ઘસાઈ ને ઊજળા થઈએ' – એ તેનો પહેલો પાઠ હોય છે. ખપમાં આવવું તેને, ધન્યતા માને છે. ત્યાં એકધારું સમર્પણ, વૃક્ષ જેવું હોય છે. તે-તે વૃક્ષો તેની ઋતુમાં મબલખ ફૂલો ધરતીના ખોળે ધરતાં જ હોય છે અને એમ ધરતાં તેને ધરવ થતો નથી. વહેવું, વરસવું અને વવાઈ જવું એ જ તેનો મુદ્રાલેખ હોય છે. ગણિતની બહારનો કારોબાર હોય છે. આપણે પણ સંબંધોને આ રીતે જ બાંધીએ, વિકસાવીએ અને શોભાવીએ.
સી, નરેન
| ચિંતન : ૩૫
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only