________________
બીજું શું કરીએ ?હા ! કરવા જેવું બીજું છે
વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી ધ્રુવકુમાર ભટ્ટ પોતાની શૈલીમાં વાતો કરતા હોય ત્યારે, એક પ્રસંગ કહેતા હોય છે :
વલ્લભવિદ્યાનગરમાં એક સવારે નવના સુમારે હું રિક્ષામાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક દુકાનના ઓટલા પાસે દશ-બાર વર્ષના બે છોકરા ઝગડતા હતાં, લડતાં હતાં; એક બીજાનાં ખમીસ ખેંચતા હતા. મેં જોયા. રિક્ષા ઊભી રખાવી. નીચે ઊતરીને બન્નેને છોડાવ્યાં. પૂછ્યું : કેમ ઝગડો છો ? ચાલો છૂટા પડી જાઓ. આવું ઝગડવાનું હોય ?
છોકરા કહે ઃ ઝગડીએ નહીં, તો બીજું શું કરીએ ?
ધ્રુવકુમાર કહે કે, મારા મનમાં ઝબકારો થયો !
છોકરાઓને મે સાથે લીધા. કંપાઉંડ વાળવાના કામે લગાડ્યા. ધીરે-ધીરે ઠીક થયા.
મેં જ્યારે એ વાત સાંભળી ત્યારે, મારા મનમાં એક સાથે કેટલી બધી વ્યક્તિઓ હાજર થઈ. કેટલી બધી ! સાવ નિરર્થક, રાખ અને ધૂળ જેવા કામમાં, જીવનના કિંમતી દિવસો વેડફતા આ મનુષ્યોને જોઉં એટલે હતાશા અનુભવાય અને આ વાક્ય યાદ આવી જ જાય : બીજું શું કરીએ !
ઉત્તમ માણસો, ઉત્તમ પુસ્તકો મળે તો જીવનનું ઉત્તમ ધ્યેય જોવા મળે.
ખાવું-પીવું એ જ જીવન નથી. તુચ્છ અને ક્ષણિક દુન્યવી બાબતોમાં અટવાયા વિના પરોપકાર, સદાચાર, જ્ઞાનોપાસના, સંગીત, ચિત્રકળા, અધ્યાત્મ જેવા કોઈ ને કોઈ ઉચ્ચ ધ્યેય પ્રતિ નજર માંડે તો પુરુષાર્થને સવળી ગતિ મળે. જીવનની સાર્થકતાનો અહેસાસ થાય. ઉચ્ચ અને ઉદાત્ત ધ્યેય વિનાનું જીવન, જીવન જ નથી. મનુષ્યનું જીવન-જળ, આવળ-બાવળબોરડી માટે વેડફવા નથી.
જેનાથી કલ્પવૃક્ષ સીંચી, ઉછેરી શકાય તે બાવળ-થોર માટે ન વપરાય.
ઉત્તમ પુરુષોનાં જીવનચરિત્રોનાં વાચન અને અનુસરણથી જીવનને ધ્યેય સાંપડે. આપણે એવા ઊંચા ધ્યેય માટે જીવવાનું શરૂ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
ચિંતન : ૩૩
www.jainelibrary.org