________________
અંતઃકરણનું મૌન, પ્રભુનું સિંહાસન છે
શબ્દના અર્થને સીમા છે. મૌનના અર્થ અનંત છે. શબ્દ પહેલાંનું ય મૌન હોય છે; શબ્દ પછીનું ય મૌન હોય છે. મૌન બોલકું હોય ત્યારે, મૌનનું મૂલ્ય ઘટે છે. મૌન ગંભીરતાથી મઢેલું હોય ત્યારે, શણગારાયેલું લાગે છે. જે કહેવા માટે શબ્દ
જ્યારે અશક્તિ દર્શાવે છે, ત્યારે તે કામ મૌન કરી આપે છે. મૌનના બળાપા કરતાં, શબ્દનો બળાપો મોટો હોય છે. હું ક્યાં બોલ્યો, મૂંગો રહ્યો હોત તો સારું રહેત. એની યાદી વધુ લાંબી છે. મૂંગો રહ્યો એના કરતાં, બોલ્યો હોત તો સારું રહેત; તેવી ઘટના ઘણી-ઓછી બને છે. શબ્દ બોલવામાં કળા જોઈએ, તો મૌન રહેવામાં વધુ કળા ન જોઈએ. ક્યાં બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, આ બધું પણ તેની પડતી અસરના વધારા ને ઘટાડામાં જવાબદાર ગણાય છે; જ્યારે મૌનમાં ઘણે ભાગે કળાને બહુ અવકાશ નથી. આ ભાઈ ઓછા-બોલા છે. જરૂર પૂરતું બોલે છે. તેવાના બોલની પણ કિંમત હોય છે. આ ભાઈ બોલે નહીં, તે બોલ્યા; માટે તે જરૂરનું જ હશે. શબ્દ પણ મૌનથી જ વજનદાર બને છે. મૌનને મૂલ્યવાન બનાવવા માટે શબ્દની જરૂરત નથી. મૌન સ્વયં શોભતું હોય છે; સ્વ-નિર્ભર હોય છે. મૌન શક્તિનો સંચય કરી આપનાર છે. શબ્દ અને મૌન બન્ને પોતપોતાના સ્થાને મહાન છે. છતાં મૌન કેળવવું પડે છે, તેથી જ તેની મહાનતા સ્વયંસિદ્ધ ગણાય છે. મૌનની શક્તિ સ્વતઃ સિદ્ધ છે. શબ્દની શક્તિ પર-સાપેક્ષ છે. ભીતરની શક્તિના સંચય માટે મૌનની ઉપાસના કરીએ. આ શબ્દના મૌન પછીનું પગથિયું, વિચારના મૌનનું આવે છે. એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનું અંતર વધે તો, ઓજસ પ્રગટે છે અને અંતઃકરણમાં જ્યારે આ વિચારનું મૌન છવાય છે ત્યારે, પરમ તત્ત્વનું અવતરણ સહજ બને છે. આપણે પણ ‘પરમ” માટે અવકાશ રચીએ.
કનુ દેસાઈ
| ચિંતન : ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org