________________
શબ્દો તો પાણીદાર મોતી છે
શબ્દ એ વિચારોની આપ-લે કરવા તથા અરસ-પરસના વ્યવહાર માટેનું સબળ માધ્યમ છે.. શબ્દ એ આપણા અંતરની ઓળખ પણ આપે છે, એ રીતે શબ્દ બહુ કિંમતી છે. શબ્દથી જાતિ અને કુળની પરખ થાય છે. સંસ્કૃતનું એક સુભાષિત છે :
न जार जातस्य ललाट शृङगम्, कुलप्रसूतस्य न पाणिपद्मम् । दादा मुञ्चति वाक्यबाणं, तदातदा जातिकुलप्रमाणम् ।।
અર્થ : અકુલિન માણસના માથે શિંગડા નથી હોતા અને કુલિનના હાથમાં કમળ નથી ઊગતાં, પણ જેમ જેમ મુખમાંથી વાક્ય નીકળે છે તેમ તેમ જાતિ અને કુળની ખબર પડે છે, પરખ થાય છે.
આપણા શબ્દો જ્યાં સુધી ન બોલાયા હોય ત્યાં સુધી આપણે તેના માલિક છીએ, પણ જેવા બોલાયા તેવા તે આપણા માલિક બને છે. વિશ્વના ઘણા બધા વિસંવાદનું અને ઝગડાનું મૂળ કારણ એટલું જ છે કે, જે બે જણા વચ્ચે વૈમનસ્ય થયું છે તેમાં, ચૂપ રહેવાની જગ્યાએ બોલાયું હશે અને બોલવાની જગ્યાએ ચૂપ રહ્યા હશે ! આમ ન થવું અઘરું છે. ખરેખર, શબ્દો તો સાંધવાનું કામ કરવા નિર્માયા છે. એ જ્યારે અવળી રીતે પ્રયોજાય છે તેમાંથી જ મુશીબત-મુશ્કેલી અને સરવાળે મહાયુદ્ધ સર્જાય છે. જેમકે, ઇલેક્ટ્રીસીટીની શોધ બધી રીતે સગવડ પૂરી પાડવા માટે થઈ છે; એને અવળી રીતે વપરાય તો તે જીવલેણ બની જાય! શબ્દસંપત્તિને વાવવાની છે. વાપરવાની છે પણ વેડફવાની નથી.
વચન રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાળ;
ઘરાક હોય તો ખોલીએ, વાણી વચન રસાળ.
સાધકોને વચનસિદ્ધિ આ રીતે જ સાંપડે છે. તેઓના મુખેથી અભાનપણે કશું જ નીકળતું નથી –ભલે રમૂજ ચાલતી હોય તો પણ ! શબ્દ એક વાર બહાર નીકળ્યો કે બોલનાર એનો દાસ બને છે. ન બોલાય ત્યાં સુધી જ શબ્દ પર માલિકી. બોલ્યા પછી, બોલેલું પાળવામાં પોતાનું સર્વસ્વ ખર્ચી નાખતાં અચકાય નહીં તે સજ્જન ! સજ્જન-દુર્જનની પરીક્ષા એની વાણી પરથી સહેજે થઈ જાય!
સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે;
દુર્જનો શપથે બોલે, પાણીલેખ સમાન તે.
એક વાર પણ જુઠ્ઠું ન બોલ્યા હોય તે વ્યક્તિ જે બોલે તેવું કુદરતને બનાવવું જ પડે. આવા દૃષ્ટાંતો પણ નોંધાયા છે. શબ્દોને સબળ બનાવવાનું સાધન મૌન છે. મૌનના મહાસાગરમાંથી શબ્દોના વણવીંધાયેલાં પાણીદાર મોતી મળે છે. આપણે તેને મેળવવા મથીએ.
Jain Education International
For Private & Personal Use Only
સવજી છાયા
Ye
oooo
no
શબ્દ: ૩૨૧
www.jainelibrary.org