________________
ભાવગીત
શોધી લે જીવનનો સાર ઓ માનવી ! શોધી લે જીવનનો સાર. માનવનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર; માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશ મા પાપ તણો ભાર... ઓ માનવી દષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળજે, ત્યાગીને મનના વિકાર, સંતોના દર્શન તું કરજે સદ્દભાવથી, છોડીને સહુ અહંકાર .... ઓ માનવી ... મુક્તિનાં દ્વાર સમો માનવનો દેહ છે, સાગર સમો છે સંસાર, તરવું કે ડૂબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર ... ઓ માનવી ..
રસિકલાલ પરીખ
-- કવિ શ્રી પ્રદીપ સુગરીયા
સાવ સાદું-સીધું લાગતું આ ભાવગીત સહજ રીતે રચાયું છે તેથી સુંદર લાગે છે. કવિ સીધું જ સંબોધન કરે છે સાર - સાર હોય તે શોધી લે. ઝાઝી લપમાં પડતો નહીં. સમય ઓછો છે અને કામ ઘણાં છે; માટે સારથી જ કામ કાઢી લે. માનવનો દેહ આમ તો હાડ-ચામ ને લોહી-માંસનો જ સરવાળો છે. છતાં તે અનંત શુભ સંભાવનાનું દ્વાર છે માટે મોંઘો કહ્યો છે. એનો વિચાર શાંતિથી અને વિવેકથી કરવાનો છે. મોહમાં ઘેલા બનીને પાપનો ભાર ખેંચવા જેવો નથી. તને આંખ મળી છે, તો નજર પણ મળી છે. તું ભલે સૃષ્ટિને નિહાળજે. પણ મનના વિકાર ત્યજીને નિહાળજે. વિકારથી વિકાસ રૂંધાય છે. વિકારથી જોયેલું ઝેરનું કામ કરે છે. જગતને જોવામાં વિકાર ન રાખવો અને સંતને જોવામાં અહંકાર ન રાખવો. સદ્દભાવથી કરેલાં સંતનાં દર્શન અંદરના દરવાજા ઉઘાડે છે. માનવનો દેહતો મુક્તિના દ્વાર જેવો છે, અને સંસાર સાગર જેવો છે. ડૂબવું કે તરવું અને તારા હાથમાં છે માટે બરાબર જોઈ-સમજીને હોડી હંકારજે તો તારો બેડો (હોડી) પાર થઈ જશે. માનવ દેહને હોડીની ઉપમા આપી છે, એ પણ સૂચક છે. નાનું પણ ગાવા જેવું, સાદું છતાં સુંદર આ ભાવગીત ગણગણીએ. તેના ભાવને ઝીલીને તેની ભીનાશથી ભીંજાઈએ.
કાવ્ય-આસ્વાદઃ ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org