________________
વ્યક્તિમાં, ચતુરાઈ જોવા મળે છે, તેમાં પણ નિસર્ગ અને અધિગમ —એ બે કારણો ગણવામાં આવે છે; એટલે જ નીતિકારોએ રેશાટન - દેશમાં પર્યટન - પ્રવાસને પણ ચાતુર્યનાં મૂલ પૈકી એક ગણ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવાથી, અનેકાનેક વ્યક્તિઓને મળવાથી ઘણાં અનુભવો - નિરીક્ષણો મળે છે. વાંચતાં આવડે તો, એક-એક વ્યક્તિ એક-એક પુસ્તક છે.
અમને વિહારમાં પણ જાત-જાતના અને ભાતભાતના મનુષ્યો મળે છે. એ દ્વારા તેમના રીત-રીવાજો, સ્વભાવ, માન્યતા, માહિતી વગેરે જાણવા મળે, ત્યારે આશ્ચર્ય અને આનંદ થાય; પરંપરાઓનો પરિચય મળે, અમારે પણ આવું ઘણીવાર બને છે. રાજસ્થાનમાં જ્યારે શિલ્પકળા-નિકેતન રાણકપુરતીર્થની યાત્રાએ જવાનું થયું, ત્યારે તેની પંચતીર્થીની યાત્રાનો લાભ મળ્યો. મૂછાળા મહાવીર તો જવાનું હતું, ત્યાં જવા માટે ઘાણેરાવ જવાનું થયું. થાણેરાવ ખૂબ પુરાતન-પુરાણું ગામ છે, તેવું અવારનવાર સાંભળેલું. આખો દિવસ કોઈ શ્રાવકભાઈની અવરજવર ન રહી. સાંજે પ્રતિક્રમણ માટે બે વૃદ્ધભાઈઓ આવ્યા. પ્રતિક્રમણ પછી ગામ વિષે, દેરાસર, ઉપાશ્રય વિષે વાતો નીકળી. એક ભાઈ બહુ અનુભવી; એમની વાત કરવાની કુશળતા પણ ઘણી. ઘાણેરાવના કિલ્લાની વાત થઈ. ઘાણેરાવ સંઘની પરંપરાની વાત સાંભળતાં, મને ઘણો રસ પડ્યો. એમની વાતો પણ એવી રસભરી હતી.
તે રમ્ય રાત્રે... રમણીય સ્થાને...
કહે : અમારા ગામમાં આપણા જૈનભાઈઓનાં ચારસો જેટલાં ઘર છે. આપણા સંઘમાં કલ્પ-સૂત્રનો મહિમા ઘણો છે. પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં શ્રી કલ્પ-સૂત્ર વહોરાવવાનો, ઘરે રાખી રાત્રીજગો કરવાનો મહિમા ઘણો છે. અમારા ગામમાં શ્રી કલ્પ-સૂત્ર વહોરાવવાનો ચડાવો બોલવાને બદલે, વારાફરતી બધાને લાભ મળે એટલે ક્રમસ૨ ઘરે લઈ જવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. એક શેરીમાં શરૂ થાય, એટલે એક ઘરે આ વર્ષે હોય, તો પછીના વર્ષે એની બાજુના ઘરનાને એ લાભ મળે. જેને જે વર્ષે લાભ મળ્યો હોય તે, મુંબઈ કે બેંગલોર કે એવા શહેરમાં રહેતા હોય તો પણ, અહીં આવે. ઘરને રંગ-રોગાન કરાવી
૧૭૪ : પાઠશાળા
Jain Education International
નવું બનાવે, શે૨ી સજાવે. એના આખા પરિવારમાં એટલો તો ઉલ્લાસ હોય, કે જીવનમાં એમને લાભ મળ્યો. હવે પછી બીજાં ચારસો વર્ષે ફરી લાભ મળશે. એટલે આવો દુર્લભ પ્રસંગ બરાબર મન મૂકીને સહુ માણે. આ કલ્પસૂત્રનો વરઘોડો કલાકો સુધી આખા ગામમાં ફરે અને બપોર નમતાં, ઉપાશ્રયે આવે, પછી ગગનભેદી જયનાદ વચ્ચે, તે વહોરાવવામાં આવે !
આવી અનન્ય કથા સાંભળી થયું કે, આવી પ્રથા બીજે ક્યાંય સાંભળવા મળી નથી! એક બીજી પ્રથા પણ એમણે કહી : જેના ઘરમાં એ વર્ષે લગ્ન-પ્રસંગ ઉજવાયો હોય, એના ઘરની નવી વહુ સંવત્સરીને દિવસે સવારે વાજતેગાજતે શ્રાવિકાના ઉપાશ્રયે જઈ પૌષધ વ્રત લઈ આરાધના કરે. આ રિવાજ પણ વિશિષ્ટ જણાયો. એ ભાઈઓની બધી વાતોમાં અમને રસ પડ્યો. આપણા ધર્મની આવી ઉજમાળ રીતિઓ જાણી અમે ખૂબ જ પ્રભાવિત થયા.
વળતે દિવસે, અમે મૂછાળા મહાવીર જવા નીકળ્યા. રસ્તે ઠેર-ઠેર ઊભેલાં કેસૂડાંએ ઉદારતાપૂર્વક પોતાનાં લાલ લાલ પુષ્પો વેર્યાં હતાં. ત્યાંથી પસાર થતાં, એ વૃક્ષની નીચેઉપર લાલઘૂમ પાંદડીઓ જોઈને, મનમાં વિચાર ઝબક્યો. એને ઉત્પ્રેક્ષાલંકાર જ કહેવાય ! મનમાં થયું કે મગધસમ્રાટ શ્રી શ્રેણિક મહારાજાએ, આજે શ્રમણ ભગવાન મહાવીર ક્યાં વિચરે છે એ સમાચાર જાણવા ચારે દિશામાં મૂકેલા આ ઘોડલા તો નહીં હોય ! ભગવાન મહાવીરના દર્શને જતાં, આ અનુરૂપ વિચાર મનભાવન બન્યો !
ત્યાંની નિગૂઢ વનશ્રીમાં, સામે દેખાતા પહાડોમાં મહાવીરના મંગલઘોષ સચવાયા હોય – પડઘાતા હોય તેવું લાગ્યું. શાન્ત - નીરવ અને પવિત્ર વાતાવરણને માણતાં માણતાં અમે મૂછાળા મહાવીરના ચરણોમાં પહોંચી ગયા. આવા રમ્ય તીર્થસ્થળે પ્રભુનો મહિમા હોય છે, તે તો સુવિદિત છે. મારા મતે તો, તે ભૂમિનો પણ અપાર મહિમા છે. તે સ્થળના પરમાણુ આપણામાં દાખલ થાય, તે મહાલાભ છે. તેવા લાભના લોભે જ, આવા સ્થળે જવાનું વારંવાર મન થયા કરે છે. આવો મારા જેવો અનુભવ બીજાને પણ હશે જ. તેઓ પણ આની નીચે સહી કરે – કરી શકે !!
For Private & Personal Use Only
www.jainelibrary.org