________________
૮૦
ધન્યકુમાર ચરિત્ર સવ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ચક્ષુ મને આપ કે, જેથી તેને સરખી મેળવીને ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહીં હાજર કરું.” ગોભદ્ર શ્રેષ્ઠીની આ વાણી સાંભળીને જેવી રીતે ફાળ ભરવામાં ચૂકેલ વાંદરો અથવા દાવ નાખતાં ચૂકેલ જુગારી વિલખો થઈ જાય, તેવી રીતે તે ધૂર્ત પણ પોતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલખો થઈ ગયો. ધન્યકુમારની આ વિચક્ષણતાથી ગોભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિ વડે ધૂર્તની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટ રચના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો.
ગોભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મુકાયેલ ચંદ્રમાં શોભે તેમ યશ અને લક્ષ્મી વડે અધિક શોભવા લાગ્યા. લોકોએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાતો સાંભળીને સોમશ્રી અને કુસુમશ્રી (ધન્યની બંને પૂર્વ પરિણીત પત્નીઓ) પણ બહુ આનંદ પામી. ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા પણ ધન્યકુમારના ગુણોથી અત્યંત રંજીત થઈ તેને પરણવાને ઉત્સુક થઈ, ધન્યકુમારને કન્યાદાન આપવામાં આતુર થયેલા ગોભદ્ર શ્રેષ્ઠીના સ્વજન સંબંધીઓ પણ શ્રેષ્ઠીને પ્રેરણા કરવા લાગ્યા. ગોભદ્ર શ્રેષ્ઠીએ ક્રોડથી પણ અધિક ધન કન્યાદાનમાં આપીને વિવિધ પ્રકારના મહોત્સવો કરી પોતાની સુભદ્રા નામની પુત્રી ધન્યકુમારની સાથે પરણાવી. ધન્યકુમાર પણ ગુણ પ્રાપ્ત થયેલી તે સુભદ્રાને રામ સીતાને પરણે તેવી રીતે પરણ્યા અને પોતાનાં ઘેર લાવ્યા. પ્રભુતા, ઉત્સાહ અને મંત્રીઓ વડે જેવી રીતે રાજા શોભે તેવી રીતે ત્રણ પ્રિયાઓથી પરવરેલો ધન્યકુમાર પણ અતિશય શોભવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org