________________
ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય જ તમારી શોભા છે. જો તમે આ પ્રમાણે વિરૂદ્ધ વચનો ઉચ્ચારશો, ખોટું બોલશો તો લોકોમાં તમારી સામે વિરોધ પ્રગટ થવાથી તમે મોટી આપત્તિમાં પડશો, તમારી મહત્તાનો અને આબરૂનો નાશ થશે, માટે તમારી સજ્જનતા અખંડિત રહે તે પ્રમાણે તેનું રક્ષણ કરો ! વળી આજ સુધી તો મારી આંખ તમારા ઘેર ઘરેણે મૂકી જવાથી લોકોએ મને “કાણા'ના ઉપનામથી બોલાવ્યા કર્યો, તે મેં સહન કર્યું, પણ હવે તો ઇષ્ટદેવની કૃપાથી જોઈએ તેટલું દ્રવ્ય મને પ્રાપ્ત થયું છે, તેથી મારી આંખ હોવા છતાં અને તે આંખ છોડાવી શકાય તેટલો ધનલાભ પણ મને થયેલ છતાં લોકોનું એવું વચન હું હવે શા માટે સાંભળું અને સહન કરૂં ? તેથી મને ચક્ષુ પાછી આપો, મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. ચક્ષુ સિવાય હું બીજું કાંઈ લેવાનો નથી.'
ધૂર્તનાં ઉપરોક્ત વચનોને સાંભળીને ગોભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સૂઝયું નહિ, તેઓ દિમૂઢ બની ગયા અને તે ધૂર્તને સમજાવવા માટે તેમણે અન્ય પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓને બોલાવ્યા. તેઓએ સામ, દામાદિ ઉપાયો વડે તથા અનેક યુક્તિઓ વડે તે ધૂર્તને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સર્વ યુક્તિઓ નિષ્ફળ ગઈ, તે જરાપણ સમજ્યો નહિ, જ્યારે ગોભદ્ર શ્રેષ્ઠીએ જવાબ ન આપ્યો, પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે ધૂર્ત નટની જેમ કપટ કળા કેળવતો શ્રેણિક મહારાજાની સભામાં ગયો, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાર્થથી ગર્ભિત વચનો એવી રીતે બોલવા લાગ્યો કે રાજાની સભા શોભાવનારા એવા સર્વ પ્રધાનો પણ તેને પ્રત્યુત્તર દેવાને શક્તિમાન થયા નહિ. સર્વ પ્રધાનો અને સભાજનો તે ધૂર્તનાં કુયુક્તિયુક્ત વચનોને સાંભળી દિમૂઢ જ બની ગયા અને એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા, કોઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org