________________
૭૦.
ધન્યકુમાર ચરિત્ર પોતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેષ્ઠીની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત સ્વીકારી. ત્યાર બાદ કુસુમપાળ શ્રેષ્ઠીએ કુંકુમ અને ચોખાનો ઘોળ કરીને કુસુમશ્રીને દેવારૂપ તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષત વડે ધન્યકુમારને તિલક કર્યું.
આ પ્રમાણે શ્વસુર સંબંધ થવાથી શ્રેષ્ઠીએ ધન્યકુમારને અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતી કરી, પણ સ્વમાન જાળવવામાં કુશળ ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિષ્યમાં કોઈ વખત માનહાનિનું કારણ ઉત્પન્ન થવાનો સંભવ છે.” એમ હૃદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “મિત્ર અગર બીજા કોઈની પણ સમીપે રહેવાથી કળાવાન એવો પણ મનુષ્ય શોભા વગરનો અને લઘુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવ વડે જેમ જેમ વ્યાપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો, તેમ તેમ ફળવાળા વૃક્ષોની જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસો તેનો આશ્રય લેવા લાગ્યા.
કુસુમપાળ શ્રેષ્ઠીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર અને દિવસ જોવડાવ્યાં અને થોડા દિવસોમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહોત્સવપૂર્વક કુસુમશ્રીનાં લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પોતાના ઘરને શોભાવે તેવી ઘણી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેષ્ઠીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને મોતી વગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક કુસુમશ્રી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષ્મીની સાથે જેમ ભોગ ભોગવે તેવી રીતે ઉત્તમ શરીર કાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલા પાંચ પ્રકારના ઇદ્રિયજન્ય વિષયસુખ ભોગવતો સુખપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org