________________
અદ્ભુત નિઃસ્પૃહતા
૫૩
પિતાના મુખેથી આવા શબ્દો સાંભળીને દુષ્ટ સ્વભાવના તે વડિલ ભાઈઓ ઘૂવડની માફક બળતા કઠોર વચનથી કહેવા લાગ્યા,
‘પિતાજી ! તમે તો દૃષ્ટિરાગથી અંધ બની ગયા છો, તેથી તેનો કાંઈ પણ દોષ જોઈ શકતા નથી અને તેને ગુણનો ભંડાર જ સમજો છો. તે જે કાંઈ કરે છે તે બધું તમારા મનથી સારૂં જ જણાય છે, પરંતુ ધન્યકુમારની માયા તો અમે જ જાણીએ છીએ. સ્નેહથી શૂન્ય ધન્યકુમાર ઘેરથી છૂપી રીતે બહુ રત્નો લઈ ગયો હતો. અહીં આવીને તે ધનથી રાજ્યાધિકારીઓને લાંચ આપીને મોટી પદવીને તે મેળવી બેઠો છે. લક્ષ્મીથી શું નથી બની શકતું ? લક્ષ્મી હોવાથી જ ક્ષારપણાથી પીવાને અયોગ્ય પાણીવાળા સમુદ્રને પણ લોકો રત્નાકર તરીકે સંબોધે છે. માટે પિતાજી ! અમે બીજું કાંઈ ન સમજીએ. અમને અમારી મિલકતનો ભાગ આપી દ્યો.’
સત્ત્વશીલ ધન્યકુમાર આ પ્રમાણે પિતા-પુત્રોની વચ્ચે કલહનું મૂળ કારણ પોતાને સમજી લક્ષ્મીથી ભરેલ તે ઘરને ત્યજીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણ સમયે સારા શુકનો, પક્ષીઓના સ્વરો, સારા શબ્દો તથા શુભ ચેષ્ટા વગેરેથી ઉત્સાહી બની તેને વધાવી લઈને તે મગધદેશ તરફ ચાલી નીકળ્યો. જુદાં જુદાં ગામ, નગર, વન, વાડી વગેરેને ડગલે ને પગલે જોતો અને સિંહની માફક નિર્ભીકપણે એકલો જતો તે આગળ ને આગળ ચાલ્યો.
આગળ જતાં ગંગાતીરે અશોક વૃક્ષની નીચે શાંત તથા ઇન્દ્રિયોના સંયમવાળા સર્વ ગુણોના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અદ્ભુત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીનાં દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે, તેમ હર્ષથી ભરપૂર હૃદયવાળો ધન્યકુમાર ચિંતવવા લાગ્યો, ‘અહો ! મારાં ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘોર વનની અંદર કે જ્યાં મનુષ્યો આવે પણ નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org