________________
૪ ૨
ધન્યકુમાર ચરિત્ર અવલોકન, એ પાંચ વસ્તુઓ વિવેકપૂર્વક વ્યવહારમાં લેવાય તો ચતુરાઈનાં મૂળ કારણો છે. પ્રવાસ કરવાથી ભાતભાતના ચરિત્રો જોવામાં આવે છે, સજ્જન દુર્જન માણસો વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે. તેમજ આત્માની શક્તિ પણ ખીલે છે, માટે પૃથ્વી પર્યટન કરવું. કળામાં કુશળતા, ભાગ્યબળ તથા સ્થિરતા તથા બુદ્ધિનો વૈભવ એ બધાયને માટે દેશાંતર એ એક કસોટી સ્થાન જેવું છે. ખરા ભાગ્યશાળી તો તે માણસો જ છે કે, જેઓને મનને આહ્માદિત કરે તેવા ખજાનાની માફક કૌતુકો પગલે પગલે જોવા મળે છે.”
વળી બુદ્ધિશાળી ધન્યકુમારે વિચાર્યું કે, “વડિલબંધુઓ આજે ખલવૃત્તિને આશ્રય કરનારા બન્યા છે, તો મારે હવે એ લોકોના સંસર્ગમાં રહેવું તે હિતાવહ નથી. કારણ કે હાથીથી હજાર હાથ છેટે રહેવું, ઘોડાથી સો હાથ છેટે રહેવું, શીંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું અને દુર્જનોથી તો દૂર થઈ પરદેશમાં જ ચાલ્યા જવું.” આવો ડહાપણપૂર્વકનો મનમાં વિચાર કરીને જેમ રાત્રે પક્ષીઓ માળા તરફ જવાને આતુર બની જાય તેવી રીતે પરદેશમાં પ્રયાણ કરવાને માટે ધન્યકુમાર પણ આતુર બની ગયા.
એક અવસરે તેમના એક સંબંધી શ્રીમંતના ઘેર ઉત્સવ હતો, તેથી માતા-પિતા ઈત્યાદિ ઘરના માણસો આખો દિવસ ઉત્સવમાં ગૂંથાયેલા હોવાથી, જવા આવવાની દોડાદોડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાત્રીના સમયે તે બધા સુખેથી ઘોર નિદ્રામાં પડ્યા હતા. ને રાત્રીનું જ્યારે વાતાવરણ શૂન્ય હતું, કોઈ જાગતું ન હતું, ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણ કરતો ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલી નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org