________________
પુણ્યનો પ્રભાવ
૩૭
આવી ન્યાયયુક્ત વાત સાંભળી, હસીને રાજા જિતશત્રુએ સભામાં બેઠેલા સર્વ કોઈને કહ્યું, ‘જગતમાં બીજાનું સુખ જોઈને થતી ઇર્ષ્યાનો પ્રભાવ તો જુઓ ! પોતાના અજ્ઞાનથી વસ્તુના ગુણો સમજી ન શકવાથી અમુક ચીજમાં પોતાનું કાંઈ વળે તેમ નથી, એમ સમજીને તે વેપારીઓએ કપટપૂર્વક તે ધન્યકુમારને ઓઢાડી દીધી, તે વખતે તેઓએ તો ચોક્કસ એમજ ધાર્યું હશે કે આવી ફેંકી દેવા યોગ્ય વસ્તુ તો આ બાળક જ સ્વીકારે, જો તેનો બાપ આવ્યો હોત તો કદી તેવી ચીજ લેત નહિ, ઠીક થયું કે ધનસારે આ બાળકને મોકલ્યો. માટે આપણા માથેથી ઉતરેલી વસ્તુ બીજાના માથા ઉપર ભલે પડે !' આવી ખરાબ દાનતથી ધન્યકુમારને તે ચીજ ઓઢાડી દઈને પોતાની જાતને વિચક્ષણ માનતા તે વેપારીઓ પોતપોતાને મનગમતી ચીજો લઈ ગયા. તે સર્વેએ પોતાના સ્વાર્થને આગળ કરી જરાપણ દયાપૂર્વક વિચાર કર્યો જ નહીં. વિચક્ષણતાથી મૂંગા રહેલ આ ધન્યકુમારને દુર્જનતાનો ખેલ જોતાં અચાનક પોતાને ઇષ્ટ વસ્તુ મળી ગઈ. ભાગ્યયોગે ધન્યકુમારને હાથ તો આ ચીજ અચાનક ચડી ગઈ છે, તેમાં કાંઈ કોઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસોએ ધન્યકુમારને જે ઉદ્વેગ કરાવવા માટે કર્યું હતું, તે સર્વ પોતાના ભાગ્યના યોગે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઇર્ષ્યાળુ દુર્જન માણસો મને પણ ભંભેરવા ચૂક્યા નહિ, પરંતુ એવી અનીતિ કરવી એ મને બિલકુલ ઉચિત લાગતું નથી. કારણ કે, અનીતિથી આ ભવમાં રાજ્ય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે વેપારીઓએ તથા મેં જો આ તેજંતૂરી છે એમ જાણ્યું હોત તો તે ધન્યકુમારને આપવાની વૃત્તિ કદી પણ કરી ન હોત, માટે પોતાના ભાગ્યના યોગે મેળવેલ ધન ભોગવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org