________________
૨૮
ધન્યકુમાર ચરિત્ર સગા સ્નેહીજનોની શિખામણથી તે પલંગ તેઓએ ઢેડને આપી દીધો. ચંડાળ તે પલંગ લઈ બજારમાં વેચવા આવ્યો. શહેરીઓ સર્વે “આ તો મરણ પામેલાનો પલંગ છે.” એમ ધારી વેચાતો લેવાની ના પાડવા લાગ્યા. હોંશિયાર માણસો પણ મૃતકની શય્યાને અશુભ શુકન સૂચવનારી માનીને અંદરના રહસ્યથી અજ્ઞાત હોવાને લીધે તે પલંગ વેચાતો લેવાની ના પાડી ચાલ્યા ગયા.
આ સમયે ધન્યકુમાર પોતાના ભાગ્યની પરીક્ષા કરવાને માટે વ્યાપાર કરવા ત્યાં જ આવી ચડ્યો. આમતેમ જોતાં તે પલંગ તેની દૃષ્ટિએ પડ્યો. લેપ રાળથી ઢાંકી દીધેલી તડ, અતિશય ભાર તથા પાયા વગેરેની જાડાઈ ઈત્યાદિ જોઈને બુદ્ધિથી તે પલંગ અમૂલ્ય ચીજથી ભરેલ જાણી સોનાના સાત ભાષા આપી ધન્યકુમારે તે ખરીદ કર્યો.
પછી મજૂર પાસે તે પલંગ ઉપડાવી પોતાનાં ઘેર લાવી ગુણવાન ધન્યકુમારે માતા, પિતા, વડીલબંધુઓ ઇત્યાદિ સર્વને તે દેખાડ્યો. પુત્ર પ્રત્યેની મમતાના કારણે ધનસારે કાંઈ પૂછ્યું નહિ. સસરાના કહેવાથી સર્વ વહુઓ તે પલંગ ઉતાવળથી ઉપાડી ઘરમાં લઈ જતી હતી. તેવામાં તે ઉંચો નીચો થવાથી તેના ભાગો છૂટા પડી ગયા. એટલે તરત જ પલંગમાંથી જાણે ધન્યકુમારની લક્ષ્મી હોય તેમ રત્નો જમીન પર પડતાં આખો ઓરડો તેજસ્વી રત્નોથી પ્રકાશિત થઈ ગયો.
તેજસ્વી તથા મહામૂલ્ય રત્નો જોઈને સ્નેહી-સંબંધીઓ ધન્યકુમારની સ્તુતિ કરવા લાગ્યા, “અહો ! આ ધન્યકુમાર કેવો ભાગ્યશાળી તથા બુદ્ધિમાન છે ? ખરેખર આ પુત્ર તો કુળદીપક જાગ્યો. તેણે યાચકોને દાનથી, ઘરને ધનથી, ત્રણ જગતને યશથી, મિત્રોને હર્ષથી તથા ભાઈઓને ઈર્ષ્યાથી ભરી દીધા છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org