________________
મહામૂલ્ય પલંગ
૨૭
કબૂલ કરતાં તેણે કહ્યું, ‘આ પતંગ મને એટલો પ્રિય છે કે મારો અગ્નિસંસ્કાર તેની સાથે જ તમારે કરવો, આટલું બસ ! મારે આ સિવાય અન્ય કશું જોઈતું નથી. આમ કરશો તો જ મારો આત્મા સદગતિમાં જશે.’ આ પ્રમાણે બોલતાં જાણે પોતાની પ્રિયા હોય તેમ તે પલંગને દૃઢ આલિંગન કરીને જ ધનપ્રિય છેલ્લા શ્વાસ પૂરા કરવા માંડ્યા.
એટલે અંતિમ ઘડીયે ભોંય પથારીએ નાંખવાની ઇચ્છાવાળા તેના પુત્રોએ તેને ઉપાડવા માંડ્યો. જેમ આત્મા પોતાના કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સંસ્કારો છોડી શકતો નથી, તેમ તે શેઠ તે ખાટલાથી છૂટો થઈ શક્યો નહિ, એટલે તેની સ્ત્રીએ પુત્રોને કહ્યું, તમને જો તમારા પિતા પ્રત્યે પ્રેમ હોય તો તેમને મન પોતાના પ્રાણથી પણ પ્રિય આ પલંગથી હમણાં તેમને છૂટા ન પાડશો.' માતાના વચનથી પુત્રોએ તેને ભોંય પથારીએ લીધો નહિ, જેથી પલંગમાં જ તે મરણ પામ્યો.
પિતાની આજ્ઞા પાળવાને આતુર તે પુત્રો તેના શબને પલંગ સાથે જ સ્મશાનમાં લઈ ગયા અને ચિતામાં તેને તે પલંગ સાથે મૂક્યો. અગ્નિસંસ્કાર કરવાની તૈયારીમાં હતા, તેવામાં સ્મશાનના રખેવાળ ચંડાલે આવી તે પલંગ માંગ્યો. છોકરાઓએ આપવાની ના પાડવાથી ચંડાલ સાથે મોટો કજીયો થઈ પડ્યો. તે ચંડાળ અગ્નિસંસ્કાર કરવા દેવાની ના પાડવા લાગ્યો.
આમ પરસ્પર કજીયો થતો જોઈને સગાવ્હાલાઓ ધનપ્રિયના પુત્રોને કહેવા લાગ્યા, ‘ઢેડ સાથે કલહ કરવામાં આપણે કદી ફાવીએ નહિ. વળી સ્મશાનમાં મૃતદેહને પહેરાવેલ તથા વીટેલ કપડાઓ ચંડાળ જ લઈ જાય છે. માટે હવે પલંગ પણ તેને દઈ ઘો. સ્મશાન સુધી પલંગ સાથે લાવીને તમે પિતાનું વચન પણ પાળ્યું. હવે તે લોકો ભલે લઈ જાય.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org