________________
હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા
ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્રે પોતાના પિતાશ્રીને કહ્યું :
‘પિતાજી ! આટલા દિવસ સુધી આપનાં હિતશિક્ષાનાં વચનો અમે અંગીકાર કર્યાં નથી, ઊલટું કુળમાં કલ્પતરૂતુલ્ય નાના બંધુ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય દ્વેષના દોષથી જ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયાં કર્યું છે. છેવટે દેવોએ અમને પ્રતિબોધ આપ્યો, ત્યારે જ અમારાં હૃદયમાં રહેલા અજ્ઞાન તથા ઇર્ષ્યાના દોષો નાશ પામ્યા છે. હવે તેનાજ ભાગ્યબળથી સુખસંપત્તિનો વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાના ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેથી આપ ક્ષમા કરશો.’
ધન્યકુમારે પણ બધું ઘર, ધન, સંપત્તિ વગેરે પિતાને સ્વાધીન કરી દીધું; પોતે નિશ્ચિંત થઇને ઉપકારી માત-પિતાની ભક્તિ કરવા લાગ્યા. ઉદારતા અને ઉપકારી વડિલોની ભક્તિ તે જ સંસારમાં રહેલા સજ્જનોનું કુળવ્રત છે. સમગ્ર નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા લાગ્યું તથા પ્રશંસા થવા લાગી.
૨૦૯
મગધેશ્વર મહારાજા શ્રેણિકે પણ ત્રણે પુત્રો સહિત ધનસાર શ્રેષ્ઠીને બોલાવીને વસ્ત્રાભૂષણાદિકથી તેમનો સત્કાર કરી તેમને બહુમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઇ અને ગુણોના સમૂહરૂપ તથા સર્વે લોકોમાં મનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભોગવવા લાગ્યા.
હૃદયમાં રહેલી નિર્મલ ધર્મશ્રદ્ધા, ઔદાર્ય તેમજ સૌજન્યવૃત્તિ ધન્યકુમારના જીવનમાં નિરંતર વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ સમૃદ્ધિ આદિની સ્પર્ધાથી વધતી હતી.
આમ કેટલોક કાળ આનંદમાં પસાર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org