________________
૧૪ માલવેશ્વરનાં રાજગૃહીમાં આતિથ્ય-સત્કાર અને વિદાય
અભયકુમારે બુદ્ધિપ્રપંચવડે માલવેશ્વર ચંડપ્રદ્યોતનનો મદ અને દંભ ગાળી નાખ્યો અને પછી માનભેર પ્રદ્યોતન રાજાને રાજગૃહી લાવ્યા.
તે સમયે મગધેશ્વર મહારાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રદ્યોતનરાજાને આગળ કરીને નગરના દ્વારમાં પ્રવેશ કરાવ્યો. સુવર્ણ, રૂપાનાણું તથા ફૂલોથી તેમને વધાવ્યા અને બંદીજનોને ઇચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુષ્પથ, મહાપથ, રાજપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, થાવત્ સાત માળવાળા દેવના આવાસ જેવાં મકાનો અને આવાસો તથા મંદિરો જોતાં, અનેક શ્રેષ્ઠીઓ, વ્યાપારીઓ, રાજપુરૂષો અને અનેકાનેક પ્રજાજનોના પ્રણામાદિ સ્વીકારતાં અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા.
એટલે વાહન ઉપરથી ઉતરી શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રદ્યોતનરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે અંતઃપુરમાં રહેલા સ્ત્રીવર્ગે મણિ તથા મુક્તાફળથી પ્રદ્યોતનરાજાને વધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org