________________
૩૦
શ્રીપાળ ચરિત્ર “બહેન ! જોશીએ કહી હતી એ જ આ ઘડી, એ જ આ તિથિ, એ જ આ પળ ને એ જ આ વાર. આ પુરુષ તારો ભરથાર થશે.”
રાજાજીને ખબર મોકલી. રાજા આવ્યા, ને શ્રીપાળને ઉઠાડ્યો. સદ્ગુણીને તો ઠેર ઠેર સંપત સાંપડે છે. કહે છે કે ભલાના ભગવાન તે આનું નામ. રાજાએ શ્રીપાળની પરીક્ષા કરી, નર લાખેણો લાગ્યો. રાજી થઈને પોતાની દીકરી આપી ને કહ્યું, ‘કુંવર! રાજમાં ચાકરી કરો !'
કુંવર કહે : “રાજા ! લાખ ટકાની તારી ચાકરી છે, પણ સવા લાખ ટકાનું મારું નામ છે. ચાકરી કરશું નહીં.”
રાજાએ તો કુંવરને સભામાં બેસણાં આપ્યાં. ભેણે આવતા સહુને પાનબીડાં આપવાનું કામ સોંપ્યું. કુંવરને કંઈ ગમતું નથી. એને તો પોતાની સ્ત્રીઓ સાંભરે છે. પણ શું કરે ને ક્યાં જાય ?
પાપી ઉંદરડો હવે મસ્તાન થયો છે. અહીં શ્રીપાળ દરિયામાં પડ્યો ત્યારે ત્યાં ધવલરાય શણગાર સજે છે. એ વિચારે છે : અરે! આડોઅવળો પગ પડ્યા વિના તે કંઈ રિદ્ધિસિદ્ધિ સાંપડે ખરી ? જીવહત્યા તો થઈ ખરી, પણ હવે ભલી ભાતે પાપ પખાળશું. ગરીબગરબાંને ખાન દેશું, પાન દેશું, સાધુ જમાડશું, દેવદહેરાં બાંધશું-પૈસાથી કયું પાપ ન ધોવાય ?
આવા વિચાર કરી ધવલરાય ફુલાય છે. કાને અત્તર ઘાલે છે, આંખે સુરમો આજે છે, મૂછે તેલ લગાવે છે. બાંકે સાંવરિયા બન્યો છે. ને પોતે અરીસામાં જોઈને કહે છે : વાહ, કેવો ફાંકડો લાગું છું ! કોણ મારા પર ન મોહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org