________________
૨૮
વેરનો વિપાક
આજે હવે મહારાજાનું નહિ, પણ મહારાજાના જમાઈનું શાસન ચાલે છે. જમાઈમાં પાણી નહિ હોય એમ પણ આ સીમાડાના રાજાઓએ કદાચ માની લીધું હશે અને તેથી જ તેઓ રંજાડ કરતા, હોય એવી ગુણસેને કલ્પના કરી. મહામાત્યના મુખેથી વધુ સમાચાર જાણવા એ સહેજ વધુ ઉત્સુક બન્યો.
મહામાત્યે કહેવા માંડ્યું : “ગુપ્તચરો સમાચાર લાવ્યા છે કે આપણા રાજ્યની સીમા ઉપર જે પર્વત આવેલો છે, તેની ઉપર માનતુંગ રાજાએ હુમલો કરી, રાત્રિના વખતે સૂતેલા સૈનિકોને દગાથી મારી નાખ્યા છે.”
મહામાત્ય વધુ આગળ બોલવા જતા હતા, પણ ગુણસેન વચ્ચે બોલી ઊઠ્યો : “એની ચિંતા ન કરો. તમે સૈન્યને તૈયાર કરો. મારે આજે થોડું કામ છે, તે પતાવી દઉં”
અગ્નિશમને ભિક્ષા આપવાની છે, એમ તો એણે ન કહ્યું, પણ ગુણસેનના દિલમાં એ જ મુખ્ય ચિંતા હતી. મહામાત્યને કહી બતાવવાની જરૂર ન લાગી.
જતાં જતાં મહામાત્યે કહ્યું : “સેનાપતિને તૈયાર રહેવાની સૂચના આપતો જઉં છું.” ગુણસેને મૌનભાવે એને સંમતિ આપી. સીમાડાના રાજવીઓની રંજાડ એ માત્ર રાજપ્રકરણી ઘટના ન હતી. આવા સમાચારો અતિશયોક્તિના વિચિત્ર રંગ પકડી નાગરિકોમાં ફેલાતા અને આફત ઘર આંગણે આવીને ઊભી હોય એમ લોકો હેબતાઈ જતા. જેમણે થાણાના ચોકીદારોને દગાથી મારી નાખ્યા હોય તેઓ ગુણસેનની ગફલતનો લાભ લઈને નગરમાં પેસી જાય અને અરાજકતા વર્તાવે, એ અસંભવિત નહોતું. ભયની શંકાથી શહેરના રાજમાર્ગો લગભગ સૂના જેવા થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org