________________
ખંડ પહેલો
અગ્નિશર્માને જોતાં જ ગુણસેન આકર્ષાયો. એનું એક ખાસ કારણ હતું. એ ઘણો કદરૂપો હતો, પણ એમાં અગ્નિશર્માનો દોષ નહોતો. બીજી રીતે જોતાં અગ્નિશર્મા એક પ્રસિદ્ધ અગ્નિહોત્રી-કર્મકાંડી બ્રાહ્મણનો પુત્ર હતો. પૂર્વના કોઈ કર્મને લીધે તેનો દેહ એવો આકાર પામ્યો હતો કે પશુદેહ અને માનવદેહનું આવું વિચિત્ર સંમિશ્રણ જોઈ, કોઈને પણ કોતુક થયા વિના ન રહે.
ત્રિકોણના આકાર જેવા એના મસ્તકની અંદર પીળી બે આંખો તગતગતી. નાક તો એવું ચપટું હતું કે ભૂલથી વિધાતાએ ત્યાં ટપલી મારીને નસકોરાં ઊંડાં ઉતારી દીધાં હોય એમ લાગે. કાનની જગ્યાએ માત્ર બે મીંડાં જ હતાં અને દાંત જોયા હોય તો દિવસે પણ વિકરાળ લાગે. હાથ પણ વાંકા અને ટૂંકા હતા. પેટ મોટું ગોળા જેવડું તો ગળું સાવ સાંકડું.
સુથાર કે કુંભાર પણ આના કરતાં સારી, પ્રમાણયુક્ત લાકડાની કે માટીની આકૃતિ ઉપજાવી શકે. અગ્નિશર્માને જોઈને, પહેલે જ દિવસે ગુણસેન ખડખડાટ હસી પડ્યો. પછી જ્યારે કુંવરની આજ્ઞાથી અગ્નિશર્માએ અણઘડ નૃત્ય કરી બતાવ્યું ત્યારે તો ગુણસેન ગાંડા જેવો થઈ ગયો.
અગ્નિશર્માને પોતાની સામે જોઈને કોઈ હસે કે ટીખળ કરે એ નહોતું ગમતું. પણ હવે તો એ ઘણેખરે અંશે એ આફતથી ટેવાઈ ગયો હતો. એ જ્યાં જ્યાં જતો – જે જે રસ્તેથી નીકળતો ત્યાં ત્યાં તેની છડેચોક મશ્કરી થતી. અગ્નિશર્મા તે શાંતિથી સહી લેતો - શાંતિથી એટલા માટે કે એના પ્રતિકારનો એની પાસે બીજો કોઈ ઈલાજ નહોતો. એના પિતા યજ્ઞદત્તને પણ બહુ લાગી આવતું. પરંતુ એ રાજયાશ્રિત બ્રાહ્મણ હવે શાપ આપવાની કે એવી બીજી કોઈ શક્તિથી રહિત હતો. લોકો એ જાણતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org