________________
ખંડ પાંચમો
૧૨૩
ધગધગતા અંગારાથી પોતે દાઝતો હોય તેમ અકળાય છે. કોઈ આવી જશે તો પોતાને અધમૂઓ કર્યા વિના નહિ રહે, એવી બીકથી તે આસપાસ ભયત્રસ્ત નજરે નિહાળે છે.
નિષ્કપ ઊભેલા મુનિના દેહ ફરતાં એ ચીંથરાં વીંટાળવા માંડે છે. એટલામાં એક બાજુ સૂકાં પાન ખખડતાં સંભળાય છે. ચીંથરાં વીંટાળતાં વીંટાળતાં એ ઝબકે છે. ધ્યાનસ્થ મુનિની પીઠ પાછળ સંતાય છે. પણ કોઈ માનવીની આવૃત્તિ નથી દેખાતી, એટલે સવિશેષ હિંમત ધરીને પોતાનું અધૂરું રહેલું કામ આરંભે છે.
એને ઉજૈનીના લોકો ગિરિસેનના નામથી ઓળખે છે. આખી ઉજ્જૈની શોધી વળો, પણ સૌ કોઈ એક અવાજે કહેશે કે ગિરિસેન જેવો ઈર્ષાળુ-ઘાતકી માણસ આ પૃથ્વીપટ ઉપર બીજો નહિ હોય. અંતરની એની કુત્સિત વૃત્તિએ, ઈર્ષ્યા અને હિંસાના અધ્યવસાય એના મુખ ઉપર કઢંગા ચિત્રામણ ઘૂંટ્યા છે. પ્રથમ દૃષ્ટિએ જ ગિરિસેન અકારો લાગે.
મહામુનિ સમરાદિત્યે કોઈ દિવસ પણ એનું અશુભ નથી ચિંતવ્યું. સમરાદિત્યની પંક્તિથી એ ઘણી ઊતરતી કક્ષાનો ગણાય, છતાં ગિરિસેન સમરાદિત્ય પ્રત્યે અસાધારણ વેર રાખી રહ્યો છે. નિષ્કારણ ઈર્ષ્યાથી બળી રહ્યો છે. આજે એને લાગ મળ્યો છે. સમરાદિત્યનો દીક્ષામહોત્સવ જોઈને એને જે બળતરા થયેલી, તેનો બદલો લેવાનો આજે આવો અવસર મળ્યો, તે બદલ તે પોતાને ધન્ય માનવા લલચાયો છે.
મુનિના દેહને મેલાં-ફાટેલાં ચીંથરાંથી મઢી લીધા પછી એને વિચાર થયો : “ભૂલ થઈ ગઈ. ચીંથરાં તેલમાં બોળવાં રહી ગયાં.” તેલ ઓછું હતું અને ચીથરાં વધારે હતાં, એણે ફરી ચીથરાં તેલમાં બોળી મુનિના અંગે લપેટ્યાં અને ચોરની જેમ આગ લગાડી, અદૃશ્ય થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org