________________
ખંડ પાંચમો
૧૧૧ એ પછી એણે જરા, વ્યાધિ અને મૃત્યુ, માનવજાતના કેવા કાળજૂના વેરી છે, સામર્થ્યના અતલ સાગર જેવો માનવી જન્મજન્માંતરમાં ભમતો કેવી વિટંબણાઓ ભોગવે છે અને કષાયોને ઉપશમાવવા ખરા વીર પુરુષોએ તથા વીરાંગનાઓએ કેવી સાધના કરવી જોઈએ, કેટલા વૈરાગ્ય તથા વિશ્વપ્રેમનું અવલંબન લેવું જોઈએ, એ બધું વિગતવાર વર્ણવ્યું.
સમરાદિત્ય પ્રત્યેના અનુરાગવશ બંને નવવધૂઓએ એ વાત ધ્યાનપૂર્વક સાંભળી. રાત્રિ ધીમે ધીમે જામતી જતી હતી. દૂરથી આવતા વીણાના શબ્દો જેવી સમરાદિત્યની વાગ્ધારા બંને બહેનો શાંતિપૂર્વક સાંભળી રહી. સ્પર્શમણિ જેમ સ્પર્શ માત્રથી લોહને સુવર્ણ બનાવે છે, તેમ સમરાદિત્યના અંતરના વિરાગે આ બંને નવવધૂઓને વિરાગરંગે રંગી દીધી. સમરાદિત્યની જેમ જ વિશ્વમવતી તથા કામલતાને એક જુદી જ દષ્ટિ ઊઘડતી જણાઈ. સંસ્કારી તો એ હતી જ, સમરાદિત્યે એ સંસ્કારેલા પટ ઉપર ત્યાગ-સંયમ અને સહિષ્ણુતાની રંગરેલ વહાવી દીધી. નવવધૂઓને એણે એક રાતમાં પોતાની શિષ્યાઓ, શ્રદ્ધાળુ ઉપાસિકા જેવી બનાવી દીધી.
(૪) બંને નવપરિણીતા નારીઓને સંયમમાં સ્થિર કર્યા પછી સમરાદિત્યને થયું કે ગૃહત્યાગનો માર્ગ લગભગ નિષ્ફટક બન્યો છે. માત્ર માતા-પિતાની અનુમતિ મળી જાય તો તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિંહવૃત્તિથી સર્વસ્વનો ત્યાગ કરી વિરાગના ધોરી માર્ગે ચાલી નીકળે. અંતરંગ રંગાઈ ચૂક્યું હતું, પણ જયાં સુધી માતા-પિતા અનુકૂળ ન બને, પોતે જાતે ત્યાગ જીવનમાં સંમત ન થાય ત્યાં સુધી શાંતિથી રાહ જોયા વિના બીજો કોઈ ઉપાય નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org