________________
૨૨૦
અર્પણ + ક્ષમાશ્રમણ
" તે દિવસથી ધન્ના શેઠ, પ્રથમની જેમ જ સૌની સાથે હળે-મળે-છેઆનંદ-પ્રમોદમાં તેમજ સંસારની બીજી ઘણી ઘણી ગડમથલોમાં ભાગ લે છે. પણ એમાં એમને રસ નથી રહ્યો. કવચિત્ એ વિરાગ અને ઔદાસીજનાં તણખા ઊડતા સુભદ્રા દેવી અનુભવે છે. દિવસો વીતશે તેમ આ સ્મશાનવિરાગ પણ વિદાય લેશે એવી આશામાં કાળ નિર્ગમે છે.
ગોભદ્ર શેઠનો વૈભવ એ રાજગૃહી નગરીનું બીજું ઉન્નત શિખર. આજે શેઠ પોતે જો કે દેવલોક પામ્યા છે, પણ દેવલોકમાં રહ્યા થકા પોતાના પુત્ર શાલિભદ્રને રોજેરોજની ભોગોપભોગોની પુષ્કળ સામગ્રી મોકલે છે. શાલિભદ્ર માતાના ગર્ભમાં આવ્યો તે વખતે માતાએ શાલિ-ડાંગરનું લચી પડતું ખેતર નિહાળ્યું હતું, શાલિથી સૂચિત થયો એટલે એનું નામ શાલિભદ્ર પડ્યું.
શાલિભદ્ર સિવાય ભદ્રા માતાને બીજો પુત્ર નહોતો. પેઢી દર પેઢી વાપરે તોય ખૂટે નહિ એટલી ધનધાન્યની સામગ્રી આ ઘરમાં હતી. શાલિભદ્રને એક દેવશિશુની જેમ ઉછેરવામાં આવ્યો હતો. દિવસ ક્યાં ઊગે છે અને ક્યાં આથમે છે તે જાણવાની શાલિભદ્રને જરૂર નહોતી. સાત માળની હવેલીના છેલ્લા માળ ઉપરથી એને નીચે ઊતરવાની જરૂર પણ ભાગ્યે જ લાગતી. જુદાં જુદાં સુગંધી પુષ્પોની પાંદડીઓના ઘાટ ઘડી કોઇએ માનવદેહ નિર્યો હોય એવી આ શાલિભદ્રની સુકુમાર કાયા હતી. બત્રીસ-બત્રીસ સ્ત્રીઓ રાતદિવસ એની સેવા ઉઠાવતી.
એક દિવસ આ રાજગૃહીમાં નેપાલના કેટલાક વેપારીઓ આવી ચડ્યા. રાજગૃહી સુખી-વૈભવી ગૃહસ્થોનું ધામ હતું, એટલે વેપારીઓ પણ પોતાની કીંમતી વસ્તુઓ જે બીજે ન ખપે તે ખપાવવા આ નગરીનો આશ્રય શોધતા. નેપાલમાં એ વખતે “રત્નકંબલ” નામથી ઓળખાતું વસ્ત્ર તૈયાર થતું. અગ્નિમાં નાખવાથી તે બળવાને બદલે વધુ શુદ્ધ અને નિર્મલ બનતું. કિંમત સવા લાખ સોનૈયાથી જરાય ઓછી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org