________________
૧૧૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
એક સંસ્થાન તરીકે ભારતની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ હતું. એટલે ગઈ સદીમાં કેટલાયે બ્રિટિશ અમલદારો ભારતમાંથી નિવૃત્ત થઈ ઇંગ્લેન્ડને બદલે ન્યૂ ઝીલૅન્ડમાં વસવાટ માટે જતા. મુંબઈના એક અમલદારે તો ત્યાં પોતાની વસાહતને બોમ્બે (હેમિલ્ટન પાસે) નામ આપ્યું છે. ભારતમાં ગરમીમાં રહ્યા પછી ન્યૂ ઝીલેન્ડની આબોહવા તેમને માફક આવતી. વળી, ભારતમાંથી કેટલાયે મજૂરોને અંગ્રેજો નોકરી માટે ન્યૂ ઝીલૅન્ડ લઈ ગયા હતા, જેઓ પછી ત્યાં જ રહી ગયા. તેમની હાલ ત્રીજીચોથી પેઢી ત્યાં છે. ખેતમજૂરો અને કારકુનો તરીકે ગયેલા ભારતીયોમાં કેટલાયે ગુજરાતીઓ પણ છે. તેમાંના કેટલાકે તો ન્યૂઝીલૅન્ડના ગોરાઓ સાથે લગ્નસંબંધ પણ બાંધેલા છે.
ન્યૂ ઝીલૅન્ડમાં હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરો હોવાથી પર્વતારોહણની કલાનો પણ ત્યાં વિકાસ થયેલો છે. એથી ન્યૂ ઝીલૅન્ડના સાહસિક પર્વતારોહકો ભારતના હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરવા આવતા રહ્યા છે. એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનારા બે પર્વતારોહકો તે ભારતના તેનસિંગ અને ન્યૂ ઝીલૅન્ડના એડમંડ હિલરી છે.
અંગ્રેજોની રમત ક્રિકેટ બ્રિટિશ સામ્રાજ્યની પણ રમત બની ગઈ અને ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ સ્પર્ધાઓ વર્ષોથી યોજાતી આવી છે. આમ, ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે મોટું ભોગોલિક અંતર હોવા છતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ બંને દેશો વચ્ચે સંબંધ સુમેળભર્યો ગાઢ રહ્યો છે.
ન્યૂ ઝીલેન્ડ ગમી જાય એવો એક નિસર્ગરમ્ય દેશ છે. તક મળે તો પ્રવાસ કરવા જેવો દેશ છે.
***
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org