________________
૧૦૪
-
-
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે એવું એક બીજું પ્રાણી તે કોઆલા છે. રીંછની નાની પ્રતિકૃતિ જેવું તે લાગે. એને પૂંછડી હોતી નથી. ત્રણેક ફૂટના રૂંછાદાર શરીરવાળા કોઆલાનું જાડું કાળું નાક અને ઝીણી આંખો એ એની લાક્ષણિકતા છે. “કો આલા' નામ આદિવાસીઓએ પાડેલું છે. એમની ભાષામાં “કોઆલા” એટલે જે પાણી પીતું નથી તે. કોઆલા પાણી પીતું નથી. તે ઘણુંખરું નીલગિરિનાં વૃક્ષો ઉપર જ રહે છે. એનાં પાન એનો મુખ્ય ખોરાક છે. દિવસ કરતાં તે રાત્રે વધારે હરેફરે છે. દિવસે ઘણી વાર તે ઘોરતું દેખાય. કોઈ વાર તો ઝાડ ઉપર એકસાથે ચારપાંચ કોઆલા એકબીજા ઉપર પડ્યાં પડ્યાં ઘોરતાં હોય. ઑસ્ટ્રેલિયાના લોકોને કોઆલા એની સુંવાળી રુંવાટીને લીધે બહુ ગમે છે. હાથમાં લઈને રમાડવું ગમે એવું એ પ્રાણી છે. બાળકોને પણ તે બહુ વહાલું લાગે છે. રમકડાંના કોઆલા હવે ઑસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોમાં પણ મળે છે.
પ્લેટિપસ એ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળતું, લગભગ બે ફૂટ લાંબું એક અનોખી જાતનું પ્રાણી છે. તે પ્રાગૈતિહાસિક કાળનું મનાય છે. તેની ગણના જળચર પક્ષીમાં અને પ્રાણીમાં, એમ બંનેમાં થઈ શકે છે. બતકની ચાંચ જેવું પહોળું મોટું, પાણીમાં તરવું અને લીલી દ્રાક્ષ જેવડાં ઈંડાં મૂકવાં એ એની પક્ષી જેવી ખાસિયત બતાવે છે. બીજી બાજુ નહોરવાળા ચાર પગ, તપખીરી રંગનો રુંવાટીવાળો દેહ, પૂંછડી અને બચ્ચાંને ધવરાવીને ઉછેરવાની ખાસિયતને લીધે તેની ગણના પ્રાણીમાં થાય છે. આમ, પ્લેટિપસ મિશ્ર લક્ષણવાળું છે. સસ્તન પ્રાણીઓ ઈડાં મૂકતાં નથી અને ઈંડાં મૂકનારાં પ્રાણીઓ ધવરાવતાં નથી. પ્લેટિપસ જ એક એવું પ્રાણી છે કે જે ઈંડાં મૂકે છે અને બચ્ચાંને ધવરાવે છે. પાણીના કાંઠે દર કરીને રહેનારું તે બહુ ખાઉધરું પ્રાણી છે અને ગલોફામાં પણ તે ખોરાક ભરી રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org