________________
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
૧૬૯
ઉષાબહેનના ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું વાતાવરણ. એમના વડીલ બંધુ ડૉ. ચંદ્રકાન્તભાઇ ગુજરાતી વિષયના અધ્યાપક. એટલે શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં બોલવું, લખવું એમના કુટુંબ માટે સહજ, ઉષાબહેન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યમાં જોડાયેલાં. હિંદીમાં કોવિદની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરેલી. એટલે હિંદી ઉપર પણ એમનું એટલું જ પ્રભુત્વ. હિંદી સાહિત્યના વાંચનનો એમને શોખ પણ ખરો. વળી વિલસન કૉલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે અંગ્રેજીમાં વર્ગો લેવાના. એટલે ઇંગ્લિશ ભાષા પર એમનું એટલું જ પ્રભુત્વ. આમ લેખનકાર્ય કરવા માટે તથા વ્યાખ્યાન આપવા માટેનું ત્રણ ભાષા ઉપર પ્રભુત્વ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. ઉષાબહેન જરા પણ આયાસ વિના, સહજ રીતે આ ત્રણે ભાષામાં બોલતાં લખતાં રહ્યાં છે એ એમના ભાષા-સામર્થ્યની પ્રતીતિ કરાવે છે.
પહેરવેશ, ખાનપાન, રહેણીકરણીમાં સાદાઇ અને સ્વભાવમાં સરળતા, લઘુતા અને નિખાલસતા એ ઉષાબહેનનાં વ્યક્તિત્વનાં લક્ષણો થોડા પરિચયે પણ માણસને જણાયા વગર રહે નહિ. તેઓ હંમેશાં ખાદીની સફેદ સાડી જ પહેરતાં રહ્યાં છે. ઉષાબહેનને બસમાં જતાં, ટેક્ષીમાં જતાં, ક્યાંક પગે ચાલીને પહોંચી જતાં કોઇ સંકોચ નહિ. કોઇ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હોય તો પોતાને તેડી જવા માટેનો આગ્રહ નહિ. પોતાની મેળે પણ પહોંચી જાય. સભામાં મંચ પર સ્થાન મેળવવા કે આગલી હરોળમાં બેસવા માટે આગ્રહ નહિ, તેવી વૃત્તિ પણ નહિ. પાછળ બેસવામાં કોઇ ક્ષોભ નહિ. બધું સરળ અને સહજ. એ માટે માઠું લાગે નહિ, તો પછી કોઇ વ્યવસ્થાપકને ઠપકો આપવાનો કે કટાક્ષ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય ? આ બધા ગુણો ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલી વ્યક્તિના જીવનમાં સ્વાભાવિક રીતે વિકસેલા હોય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org