________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન માણસોને જે શાન્તિકારક દવાઓ અપાય છે તે તરત ઊંઘ લાવે છે. દિવસ હોય કે રાત, એવી દવાઓ લેતાં થોડીવારમાં જ એની અસર ચાલુ થાય છે. સમગ્ર દુનિયામાં આવી દવાઓનો વપરાશ ઘણો જ વધી ગયો છે. એટલે અકાળે ઊંઘ આવવાની ઘટનાઓ પણ એટલી જ બનવા લાગી છે.
બીજાની નીરસ વાત લાંબી ચાલે અને તે ફરજિયાત સાંભળવી પડે જ એવી સ્થિતિ હોય તો શ્રોતાનું થાકેલું ચિત્ત આંખોને ઝીણી બનાવી દે છે અને પછી ચિત્ત પણ નિદ્રાદેવીની સ્તુતિમાં લાગી જાય છે. હોંકારો ભણતા જવું અને વચ્ચે વચ્ચે ઝોકાં ખાઈ લેવાં એવી સ્થિતિનો અનુભવ કેટલાયને થયો હશે !
ક્યારેક સભાગૃહોમાં ભિન્નભિન્ન વક્તાઓના વક્તવ્યની ઝડી વરસતી હોય, ભોજનનો સમય વીતી ચૂક્યો હોય અને કાર્યક્રમ હજુ અધવચ્ચે પહોંચ્યો હોય ત્યારે ભૂખ્યા પેટે શ્રવણ કરનારાઓની પડખે આવીને નિદ્રાદેવી ક્યારે બેસી જાય છે તેની ખબર પડતી નથી.
કોઈકને પ્રશ્ન થાય કે ધાર્મિક વ્યાખ્યાનોમાં માણસોને ઝોકાં કેમ આવતાં હશે? એ માટે કોઈક કવિએ કલ્પના કરી છે કે જેને ઉઠાડવા માટે ઢોલનગારાં વગાડવાં પડતાં, જેના નાકમાં સાપ ફેરવવા પડતા એવા ઊંઘણશી કુંભકર્ણની મહારાણી તરીકે નિદ્રાને ઓળખાવવામાં આવે છે. રાવણ સાથેના યુદ્ધ દરમિયાન ભગવાન રામના હાથે થયેલા કુંભકર્ણના મૃત્યુ પછી એની પ્રિય રાણી નિદ્રા વિધવા થઈ. એટલે તે પોતાના વૈધવ્યના દિવસો પસાર કરવા ધર્મકથાઓ સાંભળવા જવા લાગી. પોતે ઓળખાય નહિ એ માટે તે ત્યાં કેટલાક શ્રોતાઓના ચિત્તમાં જઇને બેસી જવા લાગી છે. निद्राप्रियो यः खलु कुंभकर्णो हतः समीके स रघूत्तमेन । वैधव्यमापद्यततस्य कांता श्रोतुं समायाति कथापुराणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org